<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

LPG સંકટઃ નિકાસના લોભમાં સામાન્‍ય માણસને અછત સર્જાતા બોમ્‍બે હાઈકોર્ટ લાલચોળ!

નાગપુરના વિતરકોએ ખોલી પોલઃ કેન્‍દ્ર સરકાર અને મંત્રાલય પાસે કોર્ટે માંગ્‍યો ખુલાસો

નાગપુર, તા.૧૩: દેશમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને ગંભીર સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહારાષ્‍ટ્રના વિદર્ભ ક્ષેત્રના છ મોટા ગેસ વિતરકોએ બોમ્‍બે હાઈકોર્ટમાં ધા નાખી છે કે ખાનગી કંપનીઓ આંતરરાષ્‍ટ્રીય બજારમાં ઊંચા ભાવે LPG નિકાસ કરીને વધુ નફો કમાઈ રહી છે, જેના પરિણામે ભારતના ઘરેલુ ગ્રાહકોને સિલિન્‍ડર માટે વલખાં મારવા પડી રહ્યા છે. આ મુદ્દાને ગંભીર ગણી હાઈકોર્ટની નાગપુર બેન્‍ચે કેન્‍દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી તાત્‍કાલિક જવાબ માંગ્‍યો છે.

અરજી મુજબ, કોન્‍ફિડન્‍સ પેટ્રોલિયમ ઈન્‍ડિયા લિમિટેડ (CPIL) જેવી કંપનીઓ સ્‍થાનિક વિતરકોને પૂરતો જથ્‍થો પૂરો પાડી રહી નથી, જેના કારણે નાગપુર અને આસપાસના જિલ્લાઓમાં ઘરો, હોટલો અને નાના ઉદ્યોગોમાં ગેસની ભારે તંગી સર્જાઈ છે. પヘમિ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવનો ફાયદો ઉઠાવી કંપનીઓ નિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે રસોઈ ગેસ સામાન્‍ય જનતાની પાયાની જરૂરિયાત છે અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

ન્‍યાયાધીશ અનિલ એસ. કિલોર અને રાજ ડી. વાકોડેની બેન્‍ચે આદેશ આપ્‍યો છે કે જ્‍યાં સુધી કેસની અંતિમ સુનાવણી ન થાય, ત્‍યાં સુધી કંપનીઓએ ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાની સરકારી નીતિનું કડક પાલન કરવું પડશે. આગામી ૧૭ માર્ચે થનારી સુનાવણીમાં કેન્‍દ્ર સરકારના જવાબ પરથી નક્કી થશે કે દેશમાં LPGની આ કળત્રિમ અછત પાછળ કોણ જવાબદાર છે અને ભવિષ્‍યમાં સામાન્‍ય જનતાને સસ્‍તો અને પૂરતો ગેસ મળશે કે નહીં. 

(3:52 PM IST)