<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ન્યૂઝીલેન્ડમાં ભણ્યા પછી નોકરી શોધવી બનશે સાવ સરળ: વિદ્યાર્થીઓ માટે નવા 'શોર્ટ-ટર્મ ગ્રેજ્યુએટ વિઝા'ની જાહેરાત

વિદેશી સ્નાતકોને મળશે 6 મહિનાના વધારાના વર્ક રાઈટ્સ: પોસ્ટ સ્ટડી વર્ક વિઝાના દાયરામાં પણ કરાયો મોટો વધારો

ઓકલેન્ડ, તા. ૧૩: વિદેશમાં અભ્યાસ કરી સ્થાયી થવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડથી ખુશીના સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા અને તેમને સ્થાનિક રોજગાર બજારમાં સેટલ થવા માટે 'ટૂંકા ગાળાના ગ્રેજ્યુએટ વર્ક વિઝા' રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ફેરફારો વર્ષ 2026 ના અંતથી અમલમાં આવશે, જેનો સીધો લાભ હજારો વિદ્યાર્થીઓને મળશે.
નવા વિઝામાં શું મળશે ખાસ?
નવી યોજના મુજબ, લાયક આંતરરાષ્ટ્રીય સ્નાતકોને 6 મહિના સુધીના 'ઓપન વર્ક રાઈટ્સ' આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ કોઈપણ પ્રતિબંધ વગર નોકરી શોધી શકશે અને અનુભવ મેળવી શકશે. આ વિઝાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ આ 6 મહિનામાં કોઈ એમ્પ્લોયરને શોધી લે અને ત્યારબાદ એમ્પ્લોયર-પ્રાયોજિત લાંબા ગાળાના વર્ક વિઝા પર ટ્રાન્સફર થઈ શકે.
પાત્રતાના માપદંડો અને શરતો:
•    અરજદારે લેવલ 5 થી 7 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
•    ન્યૂઝીલેન્ડમાં ઓછામાં ઓછા 24 અઠવાડિયાનો ફૂલ-ટાઈમ અભ્યાસ અનિવાર્ય છે.
•    પોતાના ગુજરાન માટે બેંક ખાતામાં ઓછામાં ઓછા NZ $5,000 (આશરે 2.5 લાખ રૂપિયાથી વધુ) દર્શાવવા પડશે.
•    વિદ્યાર્થી વિઝા પૂરો થયાના 3 મહિનાની અંદર જ આ માટે અરજી કરવાની રહેશે.
પોસ્ટ સ્ટડી વર્ક વિઝામાં પણ મોટી રાહત:
સરકારે માત્ર નવા વિઝા જ નથી આપ્યા, પરંતુ અગાઉના 'પોસ્ટ સ્ટડી વર્ક વિઝા'ના નિયમો પણ હળવા કર્યા છે. હવે જે વિદ્યાર્થીઓએ લેવલ 7 પર ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યો છે, તેઓ પણ આ વિઝા માટે અરજી કરી શકશે, જો તેમની પાસે અગાઉની સ્નાતકની ડિગ્રી હોય. આ વિઝાનો સમયગાળો વિદ્યાર્થીએ કરેલા અભ્યાસના સમયગાળા જેટલો (મહત્તમ 1 વર્ષ) રહેશે.
એક વાતનું ખાસ ધ્યાન રાખજો:
ન્યૂઝીલેન્ડ સરકારના નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ પોતાના જીવનકાળમાં માત્ર એક જ વાર 'પોસ્ટ સ્ટડી વર્ક વિઝા' મેળવી શકે છે. એટલે કે, જો તમે એકવાર આ વિઝા મેળવી લીધા, તો ફરીથી ઉચ્ચ અભ્યાસ કર્યા પછી બીજી વાર આ જ કેટેગરીમાં વિઝા નહીં મળે.
ન્યૂઝીલેન્ડના આ પગલાથી ખાસ કરીને આઈટી, હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે, કારણ કે તેમને હવે ડિગ્રી પૂરી થયા પછી તરત જ દેશ છોડવાની ચિંતા નહીં રહે.

(4:14 PM IST)