<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: 'માસિક રજા' ફરજિયાત બનશે તો મહિલાઓને નોકરી મળવી મુશ્કેલ થશે, અરજી સ્વીકારવાનો કર્યો ઇનકાર

કોર્ટે કહ્યું- 'આનાથી મહિલાઓની કારકિર્દી બરબાદ થઈ શકે છે'; પેઇડ લીવના કાયદાથી નોકરીદાતાઓ મહિલાઓને રાખતા ડરશે

નવી દિલ્હી, તા. ૧૩: દેશભરની મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થિનીઓ માટે 'માસિક ધર્મ રજા' (Menstrual Leave) અંગે રાષ્ટ્રવ્યાપી નીતિ બનાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આવી રજાઓ કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવશે, તો તેની વિપરીત અસર મહિલાઓના રોજગાર પર પડી શકે છે.
શું છે સુપ્રીમ કોર્ટનો તર્ક?
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે જો કોઈ કંપની કે સંસ્થાને કાયદેસર રીતે મહિલાઓને દર મહિને પેઇડ (પગાર સાથેની) રજા આપવી પડશે, તો નોકરીદાતાઓ મહિલાઓને નોકરી પર રાખવાનું ટાળશે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "જો તમે તેને કાયદો બનાવશો, તો કોઈ તેમને ન્યાયતંત્ર કે સરકારી નોકરીઓમાં પણ રાખશે નહીં. તેમની કારકિર્દી બરબાદ થઈ જશે અને સમાજમાં એવી છાપ પડશે કે માસિક ધર્મ એ કોઈ ખરાબ બાબત છે."
સ્વેચ્છાએ રજા આપવી એ અલગ વાત છે
અરજદાર વતી વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે કેરળ સરકાર અને કેટલીક ખાનગી કંપનીઓના ઉદાહરણો આપ્યા હતા, જ્યાં માસિક રજાની જોગવાઈ છે. તેના જવાબમાં સીજેઆઈએ કહ્યું કે, "ઘણી કંપનીઓ સ્વેચ્છાએ રજા આપે છે તે આવકારદાયક છે, પરંતુ જ્યારે તેને ફરજિયાત કાયદો બનાવવાની વાત આવે ત્યારે નોકરીદાતાના દ્રષ્ટિકોણથી પણ વિચારવું પડે. આનાથી મહિલાઓ વિશેના રૂઢિચુસ્ત વિચારો વધુ મજબૂત બની શકે છે."
સરકાર અને અધિકારીઓ પર છોડ્યો નિર્ણય
કોર્ટે આ અરજી ફગાવી દેતા ઉમેર્યું કે, આ એક નીતિવિષયક બાબત છે. સંબંધિત સરકારી અધિકારીઓ અને હિસ્સેદારો સાથે ચર્ચા કરીને સરકાર આ અંગે યોગ્ય નીતિ ઘડવા વિશે વિચારી શકે છે. કોર્ટે માન્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેના સામાજિક પરિણામો અત્યંત પ્રતિકૂળ આવી શકે છે.
આ નિર્ણય બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે માસિક રજાનો મુદ્દો અત્યારે કાનૂની વિવાદ કરતા સામાજિક અને નીતિગત ચર્ચાનો વિષય વધુ છે. મહિલાઓના હિતોનું રક્ષણ કરવા જતાં ક્યાંક તેમના રોજગારના અવસરો ન છીનવાઈ જાય, તે જોવાની કોર્ટની આ ટિપ્પણી અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

(4:17 PM IST)