યુપીમાં ગૌ-તસ્કરો પર પોલીસનો કહેર: ૩૫,૦૦૦થી વધુની ધરપકડ અને ૮૩ કરોડની સંપત્તિ જપ્ત, યોગી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ
ગૌહત્યા નિવારણ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ મેદાને: સંવેદનશીલ જિલ્લાઓમાં રાત્રિ પેટ્રોલિંગ સખત કરાયું, તસ્કરીના નેટવર્કને તોડી પાડવા માસ્ટર પ્લાન

લખનૌ, તા. ૧૩: ઉત્તર પ્રદેશમાં ગૌહત્યા અને ગાયની તસ્કરી વિરુદ્ધ યોગી સરકારે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ પ્રશાસને રચેલી જાળમાં હજારો ગુનેગારો ફસાયા છે. તાજેતરના આંકડા મુજબ, પોલીસે અત્યાર સુધીમાં ૧૪,૧૮૨ કેસ નોંધીને કુલ ૩૫,૯૨૪ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
૮૩ કરોડની સંપત્તિ પર ટાંચ
આ કાર્યવાહી માત્ર ધરપકડ સુધી મર્યાદિત નથી. પોલીસ વિભાગે ગૌ-તસ્કરી દ્વારા કમાયેલી ગેરકાયદેસર સંપત્તિ પર પણ લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં તસ્કરોની અંદાજે ₹૮૩.૩૨ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કડક પગલાનો હેતુ ગુનેગારોની આર્થિક કમર તોડી નાખવાનો છે જેથી તેઓ ફરીથી આવા ગુનામાં સામેલ ન થઈ શકે.
નિયમોમાં સુધારો અને રાત્રિ પેટ્રોલિંગ
વર્ષ ૨૦૨૦માં ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિવારણ કાયદામાં કરવામાં આવેલા સુધારા બાદ સજાની જોગવાઈઓ વધુ કડક બની છે. હવે પોલીસની ખાસ ટીમો, ગુપ્તચર સંસ્થાઓ અને જિલ્લા સ્તરીય ટાસ્ક ફોર્સ સરહદી વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ જિલ્લાઓમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી રાતના અંધારામાં થતી તસ્કરીને અટકાવી શકાય.
ટેકનોલોજી અને જનજાગૃતિનો ઉપયોગ
યુપી પોલીસ હવે પશુ પરિવહનના કિસ્સાઓમાં ડિજિટલ મોનિટરિંગનો પણ સહારો લઈ રહી છે. દરેક શંકાસ્પદ વાહનનું ચેકિંગ કરવામાં આવે છે અને જો તેમાં નિયમ વિરુદ્ધ પશુઓ જોવા મળે, તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કડક વલણને કારણે રાજ્યમાં ગૌહત્યાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સરકારની આ કાર્યવાહીથી ગૌ-રક્ષકોમાં ખુશીનો માહોલ છે, જ્યારે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
