<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ભારતમાં ટૂંક સમયમાં મોબાઈલ ઇન્ટરનેટ વાપરવું મોંઘું થવાના અણસાર : સરકાર દ્વારા હવે મોબાઈલ ડેટાના વપરાશ પર નવો ટેક્સ લગાવવાના વિકલ્પ પર વિચારણા

સરકાર જે મોડલ પર વિચાર કરી રહી છે તેમાં ₹1 પ્રતિ GB ડેટા પર ટેક્સ લગાવવાની વાત છે એટલે કે જેટલા GB ડેટાનો ઉપયોગ કરશો તેટલો વધારાનો ટેક્સ બિલ અથવા રિચાર્જમાં ઉમેરાઈ શકે છે

નવી દિલ્હી તા.૧૩ : ભારતમાં ટૂંક સમયમાં મોબાઈલ ઇન્ટરનેટ વાપરવું મોંઘું થઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, ભારત સરકાર હવે મોબાઈલ ડેટાના વપરાશ પર નવો ટેક્સ લગાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. આ માટે ટેલિકોમ વિભાગ (DoT) ને જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ આ પ્રસ્તાવનો અભ્યાસ કરે અને સરકારને જણાવે કે શું ડેટા યુઝ પર ટેક્સ લગાવવો વ્યવહારિક રીતે શક્ય છે કે નહીં.

 

શું છે આ નવો પ્રસ્તાવ?

મીડિયા અહેવાલો અનુસાર, તાજેતરમાં ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ મીટિંગમાં આ મુદ્દો ચર્ચાયો હતો. સરકાર જે મોડલ પર વિચાર કરી રહી છે તેમાં ₹1 પ્રતિ GB ડેટા પર ટેક્સ લગાવવાની વાત છે. એટલે કે, તમે જેટલા GB ડેટાનો ઉપયોગ કરશો, તેટલો વધારાનો ટેક્સ તમારા બિલ અથવા રિચાર્જમાં ઉમેરાઈ શકે છે.

 

જો આ પ્રસ્તાવ અમલમાં આવે અને ₹1 પ્રતિ GB નો ટેક્સ લાગુ થાય, તો સરકારને વર્ષે અંદાજે ₹22,900 કરોડની વધારાની કમાણી થવાનો અંદાજ છે. જોકે, હાલમાં આ માત્ર એક વિચાર છે અને સરકાર તરફથી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

સામાન્ય વપરાશકર્તાઓ પર અસર

ભારત દુનિયાના એવા દેશોમાં છે જ્યાં ઇન્ટરનેટ સૌથી સસ્તું છે. સસ્તા ડેટાને કારણે જ ભારતમાં વીડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા અને રીલ્સ જોવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. હાલમાં યુઝર્સ મોબાઈલ રિચાર્જ પર 18% GST તો ચૂકવે જ છે, જો આ નવો ટેક્સ આવશે તો તે હાલના ટેક્સ ઉપરાંતનો વધારાનો બોજ હશે.

 

હાલમાં તો સરકારે DoT પાસે આના ફાયદા અને ગેરફાયદા સમજવા માટે રિપોર્ટ માંગ્યો છે. અત્યાર સુધી સરકાર તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર આ ખબરને લઈને ભારે ચર્ચા જાગી છે. જો આ ટેક્સ લાગશે, તો ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડશે.

(4:45 PM IST)