તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
અમેરિકામાં ગુલામીની જંજીરો તોડીને બહાર આવેલા ગુજરાતીની હૃદયદ્રાવક કહાની: હેરોલ્ડ ડિસોઝાએ GSFC યુનિવર્સિટીમાં આપ્યો સંદેશ
મજૂર તસ્કરી અને દેવાના ચક્રવ્યુહમાંથી મુક્તિ મેળવનાર ‘રિયલ લાઈફ હીરો’એ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા: “ડરને ક્યારેય તમારો અવાજ દબાવવા ન દો”

વડોદરા, તા. ૧૩: અમેરિકા એટલે સપનાઓનો દેશ, પણ ક્યારેક આ સપનાઓ કેવી રીતે દુઃસ્વપ્નમાં ફેરવાઈ શકે છે તેની જીવતી-જાગતી મિસાલ એટલે હેરોલ્ડ ડિસોઝા. મૂળ ગુજરાતના અને હાલ અમેરિકાના સિનસિનાટીમાં સ્થિત જાણીતા સામાજિક કાર્યકર હેરોલ્ડ ડિસોઝાએ વડોદરાની ‘GSFC યુનિવર્સિટી’ ખાતે વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનના સંઘર્ષની વાતો શેર કરી હતી. ‘યંગ લીડર્સ: ગ્લોબલ ઇમ્પેક્ટ’ વિષય પર યોજાયેલા આ સત્રમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ પોતે અમેરિકામાં મજૂર તસ્કરી અને દેવાના બંધનનો ભોગ બન્યા હતા.
ધમકીઓ અને શોષણ વચ્ચેનો સંઘર્ષ
હેરોલ્ડ ડિસોઝાએ જણાવ્યું કે, તસ્કરી કરનારાઓ (Traffickers) કેવી રીતે ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવે છે. તેમને ધમકી આપવામાં આવતી હતી કે જો તેઓ ભાગવાનો પ્રયાસ કરશે તો તેમની ધરપકડ થશે અને દેશનિકાલ કરી દેવામાં આવશે. આ માનસિક અને શારીરિક શોષણ વચ્ચે પણ તેમણે હિંમત હારી નહોતી. તેમણે ગુલામીની આ જંજીરો તોડી અને આજે તેઓ વિશ્વભરમાં માનવ તસ્કરી સામે લડતા એક મજબૂત અવાજ બની ગયા છે. તેઓ ‘યુ.એસ. વ્હાઇટ હાઉસ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગ’ના ભૂતપૂર્વ સહ-અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
પારિવારિક મૂલ્યો અને માનવ અધિકાર
પોતાના સંબોધનમાં તેમણે ભાવુક થઈને પોતાના પિતાને યાદ કર્યા હતા, જેઓ ડભોઈ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂઈને ટ્રેન કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, જો તમારા સંસ્કાર અને મૂલ્યો મજબૂત હોય તો તમે ગમે તેવા આઘાતમાંથી બહાર આવી શકો છો. તેમણે ‘માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર’ના મહત્વ પર ભાર મૂક્યો અને યુવાનોને આ બાબતે જાગૃતિ ફેલાવવા હાકલ કરી.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ હેરોલ્ડજીને અનેક પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે – ડર પર વિજય કેવી રીતે મેળવવો? અને આઘાતજનક પરિસ્થિતિ પછી ફરીથી જીવન કેવી રીતે બેઠું કરવું? હેરોલ્ડ ડિસોઝાએ સચોટ જવાબ આપતા કહ્યું કે, “તમારામાંના દરેકમાં પરિવર્તન લાવવાની શક્તિ છે. પડકારોને તકોમાં ફેરવતા શીખો.”
આ કાર્યક્રમના અંતે GSFC યુનિવર્સિટીના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા હેરોલ્ડ ડિસોઝાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સંસ્થા ‘આઈઝ ઓપન ઇન્ટરનેશનલ’ આજે હજારો પીડિતો માટે આશાનું કિરણ બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
