<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાનના ઘરે દરોડો : મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો જપ્ત

આ દરોડા દરમિયાન રેહાનના ઘરમાંથી 55 ભરેલા અને અનેક ખાલી ગેસ સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા : દરોડાની જાણ થતાં જ આરોપી ફરાર : જરૂરિયાતમંદ લોકોને એક સિલિન્ડર ₹2000 સુધીના ભાવે વેચી રહ્યો હતો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે કાળાબજારી કરનારાઓ સામે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાનના ઘરે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે દરોડો પાડ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતા.

પોલીસ અને અધિકારીઓની ટીમ દરોડા માટે પહોંચી તે પહેલાં જ આરોપી અબ્દુલ રેહાન સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરોનો મોટો જથ્થો ઘરમાં જમા રાખવામાં આવ્યો હતો, જે કાયદા વિરુદ્ધ છે.સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે અબ્દુલ રેહાન ગેસ સિલિન્ડરની અછતનો લાભ લઈ જરૂરિયાતમંદ લોકોને એક સિલિન્ડર ₹2000 સુધીના ભાવે વેચી રહ્યો હતો.

 

પોલીસને મળેલી માહિતી મુજબ, પંચાયતી ઘરની નજીક આવેલા પોતાના નિવાસસ્થાને તેણે ગેરકાયદેસર રીતે સિલિન્ડરોનો સ્ટોક એકઠો કરી રાખ્યો હતો, જેના આધારે ટીમે દરોડો પાડી સિલિન્ડરો જપ્ત કર્યા હતા.

 

    

 

ગેરકાયદે ભંડારણ સામે અભિયાન ચાલુ રહેશે

 

ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે આવી કાળાબજારીને રાજ્ય સરકારને બદનામ કરવાની કોશિશ તરીકે પણ જોવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગેરકાયદેસર ભંડારણ અને કાળાબજારી સામે કાર્યવાહીનું અભિયાન ચાલુ રહેશે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય ગેસ સિલિન્ડરની કાળાબજારી અથવા ગેરકાયદે ભંડારણ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવી.

 

(6:29 PM IST)