હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મસૂરીની ખીણોમાં કુલદીપ યાદવના શાહી લગ્ન: વંશિકા સાથે સ્પિનરે લગાવી ડાન્સની ફીરકી!
સેવોય હોટેલમાં સંગીત અને હલ્દીની ધૂમ, યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહે મચાવી ધમાલ: ધોની અને સિરાજની એન્ટ્રી સાથે જામશે ક્રિકેટ સ્ટાર્સનો મેળાવડો : 14 માર્ચે લેશે સાત ફેરા

મસૂરી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ અને તેની મંગેતર વંશિકા સિંહના લગ્નની શરણાઈઓ ઉત્તરાખંડના મસૂરીમાં ગુંજી ઉઠી છે. 12 માર્ચથી શરૂ થયેલી આ ભવ્ય ઉજવણીમાં શુક્રવારે હલ્દી અને સંગીત સમારોહમાં કુલદીપ અને વંશિકાએ જોરદાર ડાન્સ કરીને મહેમાનોના દિલ જીતી લીધા હતા. મસૂરીની પ્રતિષ્ઠિત હોટેલ સેવોય અત્યારે દેશના સૌથી હાઈ-પ્રોફાઈલ વેડિંગ ડેસ્ટિનેશનમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં 80 થી વધુ લક્ઝરી રૂમ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો માટે બુક કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કુલદીપ તેની ભાવિ પત્ની સાથે બોલિવૂડના ગીતો પર થિરકતો જોવા મળી રહ્યો છે.
આ લગ્ન સમારોહમાં 'કુલ-ચા' જોડીનો જાદુ ફરી જોવા મળ્યો છે, કારણ કે કુલદીપનો ખાસ મિત્ર યુઝવેન્દ્ર ચહલ સૌથી પહેલા પહોંચીને ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી રહ્યો છે. તેની સાથે ટી20 ના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ મસૂરી પહોંચી ગયા છે. અહેવાલો મુજબ, શુક્રવારે સાંજે કોકટેલ પાર્ટીમાં ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની હાજરીથી આ મેળાવડો વધુ ખાસ બની જશે. મહેમાનોના સ્વાગત માટે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પરથી મસૂરી સુધી ખાસ સુરક્ષા અને વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
લગ્નનું આમંત્રણ કાર્ડ પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જે રાધા-કૃષ્ણની થીમ પર 3D ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. 14 માર્ચ, 2026 ના રોજ કુલદીપ પરંપરાગત રીતે ઘોડી પર સવાર થઈને વંશિકાનો હાથ પકડશે. મસૂરીમાં પવિત્ર અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા બાદ, 17 માર્ચે લખનૌની હોટેલ સેન્ટ્રમમાં એક ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં રાજકારણ, બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતની હસ્તીઓ ઉમટી પડશે. ક્રિકેટના મેદાન પર બેટ્સમેનોને નચાવનાર કુલદીપ અત્યારે પોતાની જિંદગીની નવી ઇનિંગ માટે ઉત્સાહિત દેખાઈ રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
