ઇરાકમાં ક્રેશ થયેલું અમેરિકી ટેન્કર પ્લેન ક્રેશમાં 4 ક્રૂ મેમ્બર્સના મોત: 2ની શોધખોળ શરૂ
ઈરાન સાથેના જંગ વચ્ચે ટેન્કર પ્લેન ગુમાવવું યુએસ એરફોર્સ માટે મોટો ફટકો

બગદાદ : મધ્ય પૂર્વમાં જ્યારે યુદ્ધની જ્વાળાઓ આસમાને પહોંચી છે, ત્યારે શુક્રવારે અમેરિકી સૈન્યને મોટો આંચકો લાગ્યો છે. પશ્ચિમ ઈરાકના રણવિસ્તારમાં પેટ્રોલિંગ અને રિફ્યુઅલિંગ મિશન પર નીકળેલું અમેરિકી વાયુસેનાનું KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાન અચાનક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 6 ક્રૂ મેમ્બર્સમાંથી 4 જવાનોના કરુણ મોત થયા છે, જ્યારે બાકીના 2 સભ્યો હજુ પણ લાપતા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ એ પુષ્ટિ કરી છે કે આકાશમાંથી લોખંડી પક્ષી નીચે પટકાતા જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. હાલમાં અમેરિકી સ્પેશિયલ ફોર્સ અને રેસ્ક્યુ ટીમ દ્વારા ગુમ થયેલા બે જવાનો માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ રણની પ્રતિકૂળ પરિસ્થિતિ અવરોધ બની રહી છે.
આ વિમાનની ભૂમિકા યુદ્ધમાં અત્યંત વ્યૂહાત્મક હોય છે, કારણ કે તે હવામાં ઉડતા ફાઈટર જેટ્સને ઈંધણ પૂરું પાડે છે, જેથી વિમાનોએ ઉતર્યા વિના લાંબા સમય સુધી દુશ્મનો પર હુમલો કરવાનું ચાલુ રાખી શકે. યુએસ સૈન્યએ પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું છે કે આ ક્રેશ પાછળ કોઈ દુશ્મનનો હુમલો કે 'ફ્રેન્ડલી ફાયર' (પોતાના જ દળો દ્વારા ભૂલથી થયેલો પ્રહાર) જવાબદાર નથી. જોકે, ઈરાન સાથે ચાલતા સીધા સંઘર્ષના વાતાવરણમાં આટલા મહત્વના વિમાનનું પતન અનેક સવાલો ઉભા કરે છે. નોંધનીય છે કે અગાઉ કુવૈતમાં ફ્રેન્ડલી ફાયરમાં ત્રણ F-15 વિમાનો ગુમાવ્યા બાદ આ ચોથું વિમાન છે જે અમેરિકાએ આ ટૂંકા ગાળામાં ગુમાવ્યું છે, જે તેની સૈન્ય ક્ષમતા પર મોટું દબાણ સર્જી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે આ ઘટનાના પ્રત્યાઘાતો અત્યંત ગંભીર જોવા મળી રહ્યા છે. એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાની નેતૃત્વ સામે આક્રમક વલણ દાખવી રહ્યા છે, તો બીજી તરફ હોર્મુઝ બંધ થવાની આશંકાએ વિશ્વભરમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. ઈઝરાયલે પણ ઈરાનમાં 200થી વધુ લક્ષ્યો પર બોમ્બમારો કરીને યુદ્ધને નવો વળાંક આપ્યો છે. અમેરિકી ટેન્કર પ્લેનનું આ ક્રેશ માત્ર એક ટેકનિકલ અકસ્માત છે કે પછી ઈરાન સમર્થિત જૂથોની કોઈ ગુપ્ત ચાલ, તે તપાસનો વિષય છે. પરંતુ આ દુર્ઘટનાએ સાબિત કરી દીધું છે કે મધ્ય પૂર્વના આકાશમાં અત્યારે લોખંડ અને આગનો એવો ખેલ ખેલાઈ રહ્યો છે જેમાં કોઈ પણ ક્ષણે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
