<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

બારૂદના ઢગલા પર નિકાહ: હાથમાં રાઈફલ અને ‘ગનપાઉડરનો સોફા’, ઈરાની દંપતીના લગ્ને દુનિયાને ચોંકાવી!

ઈઝરાયલ અને અમેરિકાના મિસાઈલ હુમલા વચ્ચે તેહરાનની શેરીઓમાં અનોખું પ્રદર્શન : ફૂલોને બદલે મશીનગન અને દારૂગોળાના બોક્સ વચ્ચે પ્રભુતામાં પગલાં પાડતું દંપતી

તેહરાન :  મધ્ય પૂર્વના આકાશમાં જ્યારે અમેરિકા અને ઈઝરાયલની મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે તેહરાનની શેરીઓમાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. એક ઈરાની દંપતીએ પરંપરાગત શરણાઈના સૂરને બદલે યુદ્ધના નારાઓ વચ્ચે લગ્ન કર્યા છે. આ લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે નવદંપતીએ કોઈ મખમલના સોફા પર નહીં, પરંતુ જીવંત ગનપાઉડર (દારૂગોળો) ભરેલા બોક્સ પર બેસીને લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી. દુલ્હન અને વરરાજાના હાથમાં ગુલાબના ફૂલોને બદલે અત્યાધુનિક રાઈફલ્સ હતી અને તેમની બાજુમાં ગોઠવાયેલી ભારે મશીનગન આ લગ્નની સાક્ષી બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે ઈરાનમાં અત્યારે જંગનો જનૂન કેટલો પરાકાષ્ઠાએ છે.

આ અનોખા લગ્ન કુદ્સ ડે  ની રેલીઓ દરમિયાન યોજાયા હતા, જ્યાં આખું તેહરાન 'અમેરિકા અને ઈઝરાયલ પર મૃત્યુ'ના નારાઓથી ગુંજી રહ્યું હતું. ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા ભયાનક બોમ્બમારા છતાં, આ દંપતીએ હસતા મુખે યુદ્ધના મેદાન જેવી સજાવટ વચ્ચે લગ્ન કરીને ઈરાની સરકાર પ્રત્યેની પોતાની વફાદારીનું પ્રતીકાત્મક પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પણ હાજર રહ્યા હતા, જેણે આ ખાનગી પ્રસંગને રાષ્ટ્રીય એકતાના ઉત્સવમાં ફેરવી દીધો હતો. શેરીઓમાં એક તરફ વિસ્ફોટોના નિશાન દેખાતા હતા અને બીજી તરફ આ દંપતી દારૂગોળાના ઢગલા પર ઉભા રહીને જીવનભર સાથે રહેવાના સોગંદ લઈ રહ્યું હતું.

રાજ્ય મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે દંપતીની પાછળ હજારો સશસ્ત્ર સમર્થકો પેલેસ્ટિનિયન ઝંડા લહેરાવી રહ્યા હતા. નિષ્ણાતો આ ઘટનાને ઈરાનની 'પ્રતિકાર કરવાની મનોવૃત્તિ'  તરીકે જોઈ રહ્યા છે. જ્યારે પશ્ચિમી દેશો ઈરાનના લશ્કરી થાણાઓ અને મિસાઈલ સાઇટ્સ પર હુમલા તેજ કરી રહ્યા છે, ત્યારે તેહરાનના સામાન્ય નાગરિકો આ રીતે લગ્ન કરીને એવો સંદેશ આપી રહ્યા છે કે તેઓ મોતના ઓછાયા વચ્ચે પણ ડરવાને બદલે જંગની તૈયારીમાં માને છે. બારૂદની ગંધ અને લોખંડી હથિયારો વચ્ચે સંપન્ન થયેલા આ લગ્ન અત્યારે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો સૌથી ગરમ વિષય બન્યા છે.

(7:21 PM IST)