<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

પીએમ મોદીએ આસામ પર વરસાવી ભેટ: ₹4,500 કરોડના પ્રોજેક્ટ્સ અને 3 નવી ટ્રેનોની ભેટ

ખરાબ હવામાનને કારણે કોકરાઝાર ન પહોંચી શકતા પ્રધાનમંત્રીએ જનતાની ક્ષમા માંગી : 'આસામ માલા 3.0' થી બદલાશે રસ્તાઓની સુરત અને 'અમૃત ભારત' ટ્રેન દક્ષિણ ભારત સાથે જોડશે ઉત્તર-પૂર્વને

ગુવાહાટી : ચૂંટણીના પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના વિકાસને નવી ગતિ આપવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સની લ્હાણી કરી છે. ગુવાહાટીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીએ કોકરાઝારમાં ₹4,570 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. જોકે, આ કાર્યક્રમની સૌથી મોટી ચર્ચા પીએમ મોદીની માફીની રહી. દિલ્હીથી ઉત્સાહ સાથે નીકળેલા વડાપ્રધાન ખરાબ હવામાનને કારણે કોકરાઝારના કાર્યક્રમ સ્થળ પર પહોંચી શક્યા નહીં અને તેમને ગુવાહાટીમાં જ ઉતરવું પડ્યું હતું. પીએમએ ભાવુક થઈને જનતાને કહ્યું, "હું તમારી વચ્ચે આવવા માંગતો હતો, પણ કુદરત સામે આપણું જોર ચાલતું નથી. તમને જે અસુવિધા થઈ તે બદલ હું હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું."

વિકાસના રોડમેપ વિશે વાત કરતા પીએમ મોદીએ 'આસામ માલા 3.0' પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે હેઠળ ₹3,200 કરોડના ખર્ચે હાઈવે અને ગ્રામીણ રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને બોડોલેન્ડ વિસ્તારમાં ₹1,100 કરોડના રસ્તાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. ડબલ એન્જિન સરકારના ફાયદા ગણાવતા પીએમએ સ્પષ્ટ કર્યું કે ઉત્તર-પૂર્વ હવે દિલ્હીથી દૂર નથી અને આ વિસ્તાર ભારતની પ્રગતિનું એન્જિન બની રહ્યો છે. રસ્તાઓ અને પુલોના નિર્માણથી માત્ર પરિવહન જ નહીં, પરંતુ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પણ સામાન્ય નાગરિકો સુધી વધુ ઝડપથી પહોંચશે.

રેલ્વે ક્ષેત્રે પણ આસામને ઐતિહાસિક ભેટ મળી છે. પીએમ મોદીએ ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી આપી, જેમાં સૌથી મહત્વની 'કામાખ્યા-ચારલાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ' છે, જે આસામને સીધું દક્ષિણ ભારત સાથે જોડશે. આ ઉપરાંત ગુવાહાટી-ન્યૂ જલપાઈગુડી અને ઓરેન્જ-અગરતલા એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. આ ટ્રેનોથી વેપાર અને પર્યટનને મોટો ફાયદો થશે. પીએમ મોદીના આ આક્રમક વિકાસ અભિયાનને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે એક મોટો ફાયદો માનવામાં આવી રહ્યો છે.

(7:22 PM IST)