<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઓમાનમાં ઈરાની ડ્રોન હુમલાએ વેર્યો વિનાશ : 2 ભારતીયોના કરુણ મોત!

સોહરના ઔદ્યોગિક વિસ્તારમાં આકાશી આફત ત્રાટકી : 10 ભારતીયો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ: વિદેશ મંત્રાલયે મસ્કત અને દિલ્હીમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું

મસ્કત  : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની ઝપેટમાં હવે નિર્દોષ ભારતીયો પણ આવી રહ્યા છે. ઓમાનના સોહર સ્થિત 'અલ-અવાહી' ઔદ્યોગિક વિસ્તારમાં શુક્રવારે સવારે થયેલા એક શક્તિશાળી ડ્રોન હુમલામાં બે ભારતીય નાગરિકોના કરુણ મોત થયા છે. વિદેશ મંત્રાલયના વધારાના સચિવ (અખાત) અસીમ આર. મહાજને આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ આત્મઘાતી ડ્રોન હુમલામાં કુલ 11 લોકો લોહીલુહાણ થયા હતા, જેમાં 10 ભારતીયોનો સમાવેશ થાય છે. આ હુમલાએ શાંત ગણાતા ઓમાનમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે, કારણ કે અત્યાર સુધી આ સંઘર્ષ સીધો ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે હતો, પરંતુ હવે ઓમાનની ધરતી પર ભારતીય મજૂરો અને કર્મચારીઓ તેનો ભોગ બન્યા છે.

ઘટનાની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસના અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ઘાયલ થયેલા 10 ભારતીયોમાંથી 5ની હાલત સુધારા પર હોવાથી તેમને રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના 5 સભ્યો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ, આ ડ્રોન હુમલો એટલો ભયાનક હતો કે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા લોકો કાંઈ સમજે તે પહેલા જ આખું સંકુલ ધ્રૂજી ઉઠ્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે ઓમાનના અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધ્યો છે અને મૃતકોના દેહને વતન લાવવા માટેની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર અખાતી પ્રદેશમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની જ્વાળાઓ પ્રજ્વલિત છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાની ડ્રોનનું સોહર જેવા ઔદ્યોગિક હબમાં ત્રાટકવું એ વ્યૂહાત્મક રીતે ખૂબ જ ચિંતાજનક છે. આ હુમલા બાદ ઓમાનની સરકારે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. ભારત સરકાર અત્યારે એ તપાસ કરી રહી છે કે શું આ હુમલો સીધો ભારતીયોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે પછી તેઓ અકસ્માતે આ જંગનો શિકાર બન્યા છે. વિદેશ મંત્રીએ અસરગ્રસ્ત પરિવારોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

(7:22 PM IST)