News of Friday, 13th March 2026
IPL 2026 પહેલાં જ ‘સુપર કિંગ્સ’ મુશ્કેલીમાં: રજનીકાંતની ફિલ્મોના ગીતો વાપરવા બદલ સન નેટવર્કે CSK ને કોર્ટમાં ઘસડ્યું
ધોની અને સંજુ સેમસનના પ્રોમોમાં ‘હુકુમ’ ગીત વાપરતા વિવાદ: મદ્રાસ હાઈકોર્ટમાં સન ટીવીની અરજી, કોપીરાઈટ ભંગના ગંભીર આક્ષેપો

ચેન્નાઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ ની સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એક મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. સન નેટવર્કે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ વિવાદ રજનીકાંતની સુપરહિટ ફિલ્મો ‘જેલર’, ‘કુલી’ અને ‘જેલર ૨’ ના ગીતોનો CSK દ્વારા તેમના પ્રોમો વીડિયોમાં ઉપયોગ કરવા બાબતે છે.
ધોની અને સંજુ સેમસન પ્રોમોમાં ચમક્યા, પણ મ્યુઝિક નડ્યું
CSK ની સોશિયલ મીડિયા ટીમે તાજેતરમાં જ એક જોરદાર પ્રોમો રિલીઝ કર્યો હતો, જેમાં લેજન્ડ એમ.એસ. ધોની અને ટીમમાં સામેલ થયેલા નવા સ્ટાર ખેલાડી સંજુ સેમસન મુખ્ય ભૂમિકામાં છે. નોંધનીય છે કે સંજુ સેમસન, જે ૨૦૨૬ ના T20 વર્લ્ડ કપમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ રહ્યો છે, તેને CSK એ મોટી રકમમાં ખરીદ્યો છે. જોકે, આ પ્રોમોમાં ફિલ્મ ‘જેલર’ નું પ્રખ્યાત ‘હુકુમ’ ગીત વાપરવામાં આવ્યું હતું, જેના કોપીરાઈટ સન પિક્ચર્સ પાસે છે.
સન નેટવર્કની કડક કાર્યવાહી
સન ટીવી નેટવર્કે કોર્ટ પાસે વચગાળાના મનાઈ હુકમની માંગ કરી છે જેથી CSK આ ગીતોનો ઉપયોગ બંધ કરે. ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિ શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરશે. સન પિક્ચર્સે આ ફિલ્મોનું નિર્માણ કર્યું હોવાથી, તેમની પરવાનગી વગર વ્યાવસાયિક પ્રોમોમાં ગીતો વાપરવા તે કોપીરાઈટ કાયદાનો ભંગ ગણાય છે.
૨૮ માર્ચથી જામશે IPL નો જંગ
IPL ૨૦૨૬ નો પ્રારંભ ૨૮ માર્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની CSK ટીમ ૩૦ માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જોકે, મેદાન પર ઉતરતા પહેલા જ મેદાનની બહાર શરૂ થયેલો આ ‘મ્યુઝિક વોર’ ક્રિકેટ અને સિનેમા જગતમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
