News of Friday, 13th March 2026
પેરા એથ્લેટિક્સમાં ભારતનો સુવર્ણ દબદબો: દિલ્હીમાં સુમિત એન્ટિલે ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો, ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ્સની રમઝટ
ભાલા ફેંકથી લઈને ૪૦૦ મીટર દોડ સુધી ભારતીય ખેલાડીઓનો ‘ક્લીન સ્વીપ’: તેજલબેન ડામોર અને ભાવિકકુમાર ભરવાડ સહિતના ગુજરાતી ખેલાડીઓએ પણ મેદાન માર્યું

નવી દિલ્હી : નવી દિલ્હીના આંગણે રમાઈ રહેલી ‘વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ ૨૦૨૬’ના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ અસાધારણ પ્રદર્શન કરીને મેડલ્સનો વરસાદ કર્યો છે. ભારતના સ્ટાર પેરા એથ્લેટ સુમિત એન્ટિલે ફરી એકવાર પોતાની તાકાત બતાવીને પુરુષોના ભાલા ફેંકમાં ૬૯.૨૫ મીટરના પ્રચંડ થ્રો સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. આ સ્પર્ધામાં પુષ્પેન્દ્ર સિંહે સિલ્વર અને પૂનમ રામે બ્રોન્ઝ મેડલ જીતીને ભાલા ફેંકમાં ભારતને ત્રણેય પોડિયમ ફિનિશ અપાવ્યા હતા.
૪૦૦ મીટર દોડમાં ભારતનું એકહથ્થુ શાસન
ટ્રેક ઇવેન્ટ્સમાં પણ ભારતીય દોડવીરોનો દબદબો જોવા મળ્યો હતો. ૪૦૦ મીટર દોડની વિવિધ શ્રેણીઓમાં ભારતે ક્લીન સ્વીપ કર્યો હતો. T46/T47 શ્રેણીમાં ભાવિકકુમાર દિન ભરવાડે ૪૯.૮૯ સેકન્ડમાં દોડ પૂરી કરી ગોલ્ડ જીત્યો હતો, જ્યારે જસબીરે સિલ્વર મેળવ્યો હતો. વ્હીલચેર શ્રેણીમાં મનોજકુમાર સબાપતિએ ગોલ્ડ અને અનિલ કુમારે સિલ્વર જીતીને ભારતનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
મહિલા શક્તિનો ઝળકાટ: તેજલબેન ડામોરે જીત્યો ગોલ્ડ
મહિલાઓની સ્પર્ધાઓમાં પણ ભારતીય વીરાંગનાઓએ શાનદાર દેખાવ કર્યો હતો. ૪૦૦ મીટર દોડ (T11/T12) માં તેજલબેન અમરાજી ડામોરે ૫૭.૫૩ સેકન્ડના શાનદાર સમય સાથે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. આ જ સ્પર્ધામાં લલિતા કિલ્લાકાએ સિલ્વર અને શાલિની ચૌધરીએ બ્રોન્ઝ જીત્યો હતો. શોટ પુટમાં પણ લક્ષ્મીએ ૭.૭૬ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
લાંબી કૂદ અને શોટ પુટમાં પણ મેડલ્સની વણઝાર
પુરુષોની લાંબી કૂદમાં શાલિષ કુમારે ૫.૪૭ મીટરના કુદકા સાથે સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે રામસિંગભાઈ પઢિયારે સિલ્વર મેડલ મેળવ્યો હતો. શોટ પુટ F46 શ્રેણીમાં રોહિત કુમાર, દેવેન્દ્ર સિંહ ગુર્જર અને લોકેશ અકુલાએ અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતીને ભારત માટે વધુ એક ક્લીન સ્વીપ નોંધાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં ભારતીય પેરા એથ્લેટ્સના આ પ્રદર્શનથી સાબિત થાય છે કે તેઓ આગામી મોટી વૈશ્વિક સ્પર્ધાઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
