હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં $૧૧.૬૮ બિલિયનનો મોટો ગાબડું: ‘ગોલ્ડ રિઝર્વ’ ના મૂલ્યમાં પણ નોંધપાત્ર ઘટાડો
સર્વકાલીન ઉચ્ચ સપાટીએથી નીચે ઉતરીને ભંડાર $૭૧૬.૮૧ બિલિયન પર પહોંચ્યો: વૈશ્વિક બજારમાં ડોલર અને સોનાના ભાવમાં વધઘટની સીધી અસર

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં (Forex Reserve) મોટો ઘટાડો નોંધાયો છે. ૬ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, ભારતના કુલ ભંડારમાં $૧૧.૬૮૩ બિલિયનનો ઘટાડો થયો છે, જે બાદ હવે કુલ ભંડાર $૭૧૬.૮૧૦ બિલિયન રહ્યો છે. નોંધનીય છે કે, આ અગાઉના સપ્તાહમાં ભારતનો ભંડાર $૭૨૮.૪૯૪ બિલિયનની ઐતિહાસિક ઉચ્ચ સપાટી પર પહોંચ્યો હતો.
વિદેશી ચલણ સંપત્તિમાં ગાબડું
અનામતના સૌથી મહત્વના ઘટક ગણાતી ‘વિદેશી ચલણ સંપત્તિ’ (FCA) માં $૯.૮૮૦ બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે, જે હવે $૫૬૩.૨૪૫ બિલિયન થઈ છે. ડોલરના મૂલ્યમાં ફેરફાર અને યુરો, પાઉન્ડ તેમજ યેન જેવા અન્ય વૈશ્વિક ચલણોના અવમૂલ્યનને કારણે આ અસર જોવા મળી હોવાનું માનવામાં આવે છે.
સોનાના ભંડાર પર પણ અસર
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, માત્ર રોકડ જ નહીં પણ ભારતના સોનાના ભંડારના (Gold Reserves) મૂલ્યમાં પણ ઘટાડો થયો છે. રિપોર્ટિંગ સપ્તાહ દરમિયાન સોનાના અનામતનું મૂલ્ય $૧.૬૧૨ બિલિયન ઘટીને $૧૩૦.૦૧૭ બિલિયન થયું છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થતી વધઘટને કારણે આ ફેરફાર નોંધાયો છે.
SDR અને IMF સ્થિતિ
આ ઉપરાંત, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રહેલા સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) માં પણ $૧૪૬ મિલિયનનો ઘટાડો થયો છે, જે હવે $૧૮.૭૨૦ બિલિયન છે. તેવી જ રીતે, IMF સાથેની ભારતની અનામત સ્થિતિ પણ $૪૫ મિલિયન ઘટીને $૪.૮૨૮ બિલિયન થઈ ગઈ છે.
આર્થિક નિષ્ણાતોના મતે, આ ઘટાડો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક બજારમાં ડોલરની વધતી મજબૂતીને કારણે હોઈ શકે છે. જોકે, તેમ છતાં ભારતનો ભંડાર હજુ પણ વૈશ્વિક સ્તરે અત્યંત મજબૂત સ્થિતિમાં છે, જે કોઈપણ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે પર્યાપ્ત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
