News of Friday, 13th March 2026
ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદીના ભાવમાં પણ ભારે મંદીનો માહોલ છવાયો
મજબૂત US ડોલર વચ્ચે ઈરાનના મોરચે સંઘર્ષ વધતા તથા ફુગાવાના મોરચે પણ ચિંતાજનક આંકડા જાહેર થતા તેની બજાર સેન્ટીમેન્ટ પર અસર

ભારતીય શેરબજારની સાથે સાથે સોના-ચાંદીના ભાવમાં પણ ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પ્રતિકૂળ સ્થિતિમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળે છે. પણ આ વખતે સ્થિતિ અલગ છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે ચાંદીના કીલો દીઠ ભાવ રૂપિયા 5000 તૂટી રૂપિયા 2,60,000 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 2000 ઘટી રૂપિયા 1,64,000 જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 2000 ઘટી રૂપિયા 1,63,700 રહ્યા હતા. આજે શેરબજારમાં પણ ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ આશરે 1400 પોઇન્ટ અને નિફ્ટી આશરે 488 પોઇન્ટ તૂટ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સંકેત અને US ડોલર સામે રૂપિયાના સતત ઘટતા મૂલ્ય વચ્ચે આજે સોનાની કિંમત રૂપિયા 992 ઘટી રૂપિયા 1.59 લાખ થયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે પણ એપ્રિલ ડિલિવરી રૂપિયા 992 એટલે કે 0.62 ટકા ગગડી 1,59,279 રહ્યો હતો. જ્યારે MCX ખાતે ચાંદીનો ભાવ રૂપિયા 790 તૂટી રૂપિયા 2,6,172 રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 8 ડોલર એટલે કે 0.17 ટકા તૂટી 5,108.94 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ભાવ 0.84 ડોલર એટલે કે 1.06 ડોલર તૂટી 84 ડોલર રહ્યો હતો.
બજાર નિષ્ણતોનું માનવું છે કે મજબૂત US ડોલર વચ્ચે ઈરાનના મોરચે સંઘર્ષ વધતા તથા ફુગાવાના મોરચે પણ ચિંતાજનક આંકડા જાહેર થતા તેની બજાર સેન્ટીમેન્ટ પર અસર જોવા મળી રહી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
