<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

હરિયાણાની ૨૩ વર્ષીય પાયલોટ દીપિકા અધાનાનું અદમ્ય સાહસ, મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે યુએઈમાંથી ૧૬૯ ભારતીયોનું કર્યું સફળ રેસ્ક્યુ

જાનના જોખમે યુએઈમાં ફસાયેલા ૧૬૯ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાનું મહાન કાર્ય કર્યું

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિમાં, હરિયાણાના ફરીદાબાદની ૨૩ વર્ષની પાયલોટ દીપિકા અધાનાએ પોતાની જાનના જોખમે યુએઈમાં ફસાયેલા ૧૬૯ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાનું મહાન કાર્ય કર્યું છે.
 "મમ્મી, બાય બાય. મને ખબર નથી કે હું પાછી આવીશ કે નહીં." આ શબ્દો હરિયાણાના ફરીદાબાદની માત્ર ૨૩ વર્ષીય પાયલોટ દીપિકા અધાનાના છે, જે તેણે ૬ માર્ચ ૨૦૨૬ ના રોજ એક અત્યંત જોખમી રેસ્ક્યુ મિશન માટે કોકપિટમાં પ્રવેશતા પહેલા તેની માતાને કહ્યા હતા.
અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત તંગ છે. આ સંજોગોમાં યુએઈના રાસ અલ ખૈમાહ ખાતે અનેક ભારતીયો ફસાયેલા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા તેમને પરત લાવવા માટે એક વિશેષ બચાવ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 
નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કેપ્ટન જસવિન્દર કૌરના નેતૃત્વમાં તમામ ક્રૂ મેમ્બર્સ મહિલાઓ જ હતી. ઉડાન ભરવાના માત્ર બે કલાક પહેલાં જ દીપિકાને આ મિશનમાં જોડાવાનો આદેશ મળ્યો હતો. બપોરે ૨ વાગ્યે તેમની ફ્લાઇટ યુએઈ પહોંચી હતી અને માત્ર એક કલાકની અંદર ૧૬૯ મુસાફરોને બેસાડીને ૩:૩૦ વાગ્યે દિલ્હી જવા રવાના થઈ હતી. ટેકઓફ સમયે એર ટ્રાફિક કંટ્રોલ  સાથે સંપર્ક તૂટી જવા છતાં, દીપિકા અને તેની ટીમે હિંમત હાર્યા વિના ફ્લાઇટને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી હતી.

(11:27 PM IST)