<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ફૂડ બિઝનેસ કરનારાઓ માટે ‘અચ્છે દિન’: હવે દર વર્ષે FSSAI લાઇસન્સ રિન્યૂ કરાવવાની કડાકૂટમાંથી મુક્તિ, આજીવન માન્યતાને મંજૂરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય: સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને નાના વેપારીઓ માટે નિયમો હળવા કરાયા, ૧.૫ કરોડ સુધીના ટર્નઓવર પર માત્ર રજિસ્ટ્રેશનથી ચાલશે કામ

નવી દિલ્હી : ભારતમાં ખાદ્ય સામગ્રીનો વ્યવસાય કરતા લાખો વેપારીઓ, રેસ્ટોરન્ટ માલિકો અને શેરી વિક્રેતાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (MoHFW) FSSAI લાઇસન્સિંગ પ્રક્રિયામાં વ્યાપક સુધારાઓને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ પેપરવર્ક ઘટાડવાનો અને ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાનો છે.
લાઇસન્સ હવે કાયમી: વારંવાર રિન્યુઅલની જરૂર નહીં
નવા સુધારા મુજબ, હવે ખાદ્ય વ્યવસાય સંચાલકો (FBOs) એ દર વર્ષે કે સમયાંતરે પોતાના લાઇસન્સ કે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવા નહીં પડે. એકવાર મેળવેલું FSSAI લાઇસન્સ હવે ‘આજીવન’ અથવા ‘કાયમી’ માન્યતા ધરાવતું હશે. આ નિર્ણયથી વેપારીઓનો સમય અને પાલન ખર્ચ (Compliance Cost) બંને બચશે. આ સુધારો નીતિ આયોગની ભલામણોને આધારે લેવામાં આવ્યો છે જેથી નિયમનકારી સંસાધનોનો ઉપયોગ માત્ર દેખરેખ અને ગુણવત્તા તપાસવામાં થઈ શકે.
ટર્નઓવર મર્યાદામાં મોટો વધારો
૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલી બનનારા નવા નિયમો મુજબ, રજિસ્ટ્રેશન માટેની ટર્નઓવર મર્યાદા જે અત્યારે ૧૨ લાખ રૂપિયા છે, તે વધારીને સીધી ૧.૫ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. મતલબ કે, જે વેપારીનું વાર્ષિક ટર્નઓવર ૧.૫ કરોડ સુધી હશે તેમણે ભારેભરખમ લાઇસન્સિંગ પ્રક્રિયાના બદલે માત્ર સરળ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત, ૫૦ કરોડ સુધીના ટર્નઓવર માટે રાજ્ય સરકારનું લાઇસન્સ અને તેનાથી ઉપરના ટર્નઓવર માટે જ કેન્દ્રીય લાઇસન્સની જરૂર પડશે.
સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે બેવડી રાહત
શહેરોમાં લારી-ગલ્લા ચલાવતા ૧૦ લાખથી વધુ વિક્રેતાઓ માટે પણ સારા સમાચાર છે. જો કોઈ વિક્રેતા મ્યુનિસિપલ કોર્પોરેશન કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં નોંધાયેલ હશે, તો તેમને FSSAI હેઠળ અલગથી રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. તેમને આપોઆપ FSSAI હેઠળ નોંધાયેલ ગણવામાં આવશે, જેનાથી બહુવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
ટેકનોલોજી આધારિત તપાસ
સરકારે હવે 'જોખમ-આધારિત નિરીક્ષણ' (Risk-based inspection) મોડલ અપનાવ્યું છે. જે વેપારીઓનો રેકોર્ડ સારો હશે અને જેમના ફૂડ ઓડિટ રિપોર્ટ્સ સકારાત્મક હશે, તેમને ત્યાં વારંવાર નિરીક્ષણ કરવામાં આવશે નહીં. ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવશે જેથી પ્રામાણિક વેપારીઓને બિનજરૂરી હેરાનગતિ ન થાય.
આ સુધારાઓથી ભારતના ખાદ્ય ઉદ્યોગમાં નવી ઉર્જા આવશે અને નાગરિકોને વધુ સુરક્ષિત તેમજ સ્વચ્છ ખોરાક મળે તે સુનિશ્ચિત થશે.

(10:09 PM IST)