<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

જંગના મેદાનથી જયશંકરને ફોન: "ઈરાન ચૂપ નહીં બેસે, વળતો પ્રહાર અમારો હક છે" : વિદેશ મંત્રી અરાઘચીની અમેરિકા-ઈઝરાયલને ગંભીર ચેતવણી!

ભારત અને ઈરાન વચ્ચે હાઈ-વોલ્ટેજ ટેલિફોનિક મંત્રણા : તેહરાને રજૂ કર્યો રુદ્ર અવતાર : BRICS અને આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ વધારવા એસ. જયશંકરની શાંતિ અપીલ વચ્ચે LPG કટોકટી અને ઉર્જા સુરક્ષા પર મંડરાતા જોખમની ચર્ચા

નવી દિલ્હી  :  પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના 14મા દિવસે રાજદ્વારી ગરમાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હુમલાઓની આકરી નિંદા કરવાની અપીલ કરી છે. અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે ઈરાનના સૈન્ય થાણાઓ પર થયેલા પ્રહારો વૈશ્વિક સ્થિરતા માટે ખતરો છે અને ઈરાની સેના ‘સ્વ-બચાવ’ના કાયદેસરના અધિકાર હેઠળ ગમે ત્યારે ભયાનક વળતો પ્રહાર કરવા કટિબદ્ધ છે.

આ સંવાદ એવા સમયે થયો છે જ્યારે યુદ્ધની સીધી અસર ભારતના LPG પુરવઠા અને ઉર્જા બજાર પર પડવા લાગી છે. એસ. જયશંકરે ઈરાની સમકક્ષને ભારતનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, ભારત હંમેશા સંવાદ અને રાજદ્વારી માર્ગે તણાવ ઓછો કરવાની હિમાયત કરે છે. જયશંકરે પ્રદેશમાં કાયમી શાંતિ અને સુરક્ષા જાળવવા માટે BRICS જેવા મંચો પર દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ભારત અત્યારે બેધારી તલવાર પર ચાલી રહ્યું છે, જ્યાં એકતરફ વ્યૂહાત્મક હિતો છે અને બીજી તરફ દેશની ઉર્જા સુરક્ષાનું મોટું જોખમ છે.

નિષ્ણાતોના મતે, ઈરાનનું ભારત પાસે સમર્થન માંગવું તે અમેરિકા-ઈઝરાયલ ગઠબંધન સામે વૈશ્વિક દબાણ લાવવાની રણનીતિનો ભાગ છે. અરાઘચીએ આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ આ લશ્કરી કાર્યવાહી વિરુદ્ધ અવાજ ઉઠાવવા હાકલ કરી છે. બીજી તરફ, ભારતે મધ્ય પૂર્વમાં ફસાયેલા પોતાના નાગરિકો અને સ્થિર તેલ પુરવઠા માટે શાંતિની જરૂરિયાતને પ્રાથમિકતા આપી છે. આ વાતચીત સાબિત કરે છે કે પશ્ચિમ એશિયામાં વધતો લશ્કરી તણાવ હવે માત્ર પ્રાદેશિક મુદ્દો નથી રહ્યો, પરંતુ વૈશ્વિક રાજકારણના સમીકરણો બદલી રહ્યો છે.

(10:34 PM IST)