<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

અમારાં લગ્ન કરાવો, નહીંતર બળી મરીશું

રસ્‍તા વચ્‍ચે આગ લગાવી, ખુદ પર પેટ્રોલ છાંટીને રોડ પર બેસી ગયેલાં યુવક-યુવતી જીદે ચડ્‍યાં

જાલોન  તા.૧૪: ઉત્તર પ્રદેશના જાલોન જિલ્‍લાના ઓરાઈ શહેરમાં એક યુગલે રોડની વચ્‍ચે હાઈ વોલ્‍ટેજ ડ્રામા શરૂ કરી દેતાં ટ્રાફિક જેમ થઈ ગયો અને પોલીસ પણ ચિતામાં પડી ગઈ. એક યુવક અને યુવતી લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ પરિવારજનોની રજામંદી ન હોવાથી તેઓ લગ્ન કરી શકતાં નહોતાં. પોતાની વાત મનાવવા માટે બન્નેએ શહેરના એક જાહેર રસ્‍તા પર પહોંચીને તમાશો કર્યો. થોડોક કચરાનો ઢેર ભેગો કરીને એમાં આગ લગાવી. એની બાજુમાં જ તેઓ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને બેસી ગયાં. બન્ને જોરજોરથી ચિલ્‍લાઈ રહ્યાં હતાં કે અમારાં લગ્ન કરાવો, નહીંતર આગમાં કૂદી જઈશું.

પોલીસ તેમની નજીક જવાની કોશિશ કરતી હતી ત્‍યારે તેઓ આગમાં કૂદી જવાની ધમકી આપતાં હતાં. રોડની વચ્‍ચે થઈ રહેલા તમાશાને કારણે વાહનની આવ-જા અટકી ગઈ. આખરે પોલીસે તેમનું ધ્‍યાન બીજે ભટકાવીને તેમને પકડી લીધાં. બન્નેનાં નામઠામ લખીને ફરિયાદ નોંધી ત્‍યારે ખબર પડી કે છોકરી હજી પુખ્‍ત નથી થઈ. છોકરીના પિતાએ છોકરા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. 

(9:56 AM IST)