<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

કન્‍ટેનરોના ભાડામાં ૩૦%નો તોતિંગ વધારો એક્‍સપોર્ટરોને ર૦ કરોડના નુકસાનની ભીતિ

ખાડી દેશોમાં યુદ્ધની અસરઃ ગુજરાતની સી-ફૂડ ઈન્‍ડસ્‍ટ્રી પર સંકટ : વેરાવળના ૧૩૦ જેટલા કોલ્‍ડ સ્‍ટોરેજ ફૂલ થવાની શક્‍યતા; માછીમારી ઉદ્યોગનો મરો

નવી દિલ્‍હી,તા.૧૪: ખાડી દેશોમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ પરિસ્‍થિતિની અસર હવે ગુજરાતની સીફૂડ એક્‍સપોર્ટ ઇન્‍ડસ્‍ટ્રી પર દેખાવા લાગી છે. એક્‍સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા શિપિગ કન્‍ટેનરના ભાડામાં ૩૦ ટકાનો વધારો આવી ગયો છે, જ્‍યારે હજુ આગામી દિવસોમાં બીજો ભાડા વધારો અપેક્ષિત છે. જેથી સીફૂડ એક્‍સપોર્ટરોને આગામી સમયમાં કન્‍ટેનરોનાં ભાડા વધવાને કારણે ૧૫ થી ૨૦ કરોડનાં નુકસાનની સંભાવના છે. ઉપરાંત બંદરો પર લોડિગ વધે અને શિપમેન્‍ટ અટકાય તો વેરાવળનાં ૧૨૦ થી ૧૩૦ સીફૂડ કોલ્‍ડ સ્‍ટોરેજ ફૂલ થવાની ભીતિ સીફૂડ એક્‍સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્‍ડિયાના પૂર્વ પ્રમુખે વ્‍યક્‍ત કરી છે.

ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે ૭.૦૦૦ થી વધુ કન્‍ટેનરો મારફતે લગભગ દોઢ લાખ ટન જેટલો સીફૂડ ખાડી દેશો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવે છે. પરંતુ હાલની વૈશ્વિક પરિસ્‍થિતિના કારણે શિપિગ અને લોજાિસ્‍ટિક્‍સ વ્‍યવસ્‍થામાં અવરોધો સર્જાયા છે, જેના સીધા પરિણામે સીફૂડ ઉદ્યોગ પર દબાણ વધ્‍યું છે. સીફૂડ એક્‍સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્‍ડિયાના પૂર્વ પ્રમુખે જણાવ્‍યું હતું કે જો આગામી ૧૦ દિવસ સુધી હાલની પરિસ્‍થિતિ યથાવત રહેશે. તો સીફૂડ કંપનીઓના કોલ્‍ડ સ્‍ટોરેજ ફૂલ થઈ જવાની શક્‍યતા છે. જેના કારણે તૈયાર થયેલો માલ નિકાસ માટે અટકી જશે અને ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે હાલ એક્‍સપોર્ટ યુનિટોમાં કન્‍ટેનર ભાડા અને લોજાિસ્‍ટિક્‍સ ખર્ચમાં અંદાજે ૩૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. તેમના જણાવ્‍યા મુજબ ગુજરાતના સીફૂડ એક્‍સપોર્ટ યુનિટો અન્‍ય રાજયોની સરખામણીએ નાના છે અને તેમની કોલ્‍ડ સ્‍ટોરેજ ક્ષમતા પણ સીમિત છે. તેથી આવી પરિસ્‍થિતિમાં અન્‍ય રાજ્‍યો કરતાં ગુજરાતના ઉદ્યોગોને વધુ અસર થવાની શક્‍યતા છે. ફિશ એક્‍સપોર્ટ ઉદ્યોગ મૂળભૂત રીતે 'લો વેલ્‍યુ અને લો માર્જિન' ધરાવતો ઉદ્યોગ હોવાથી વધતા ખર્ચનો સીધો ભાર ઉદ્યોગકારો પર પડશે.

સામાન્‍ય રીતે જાન્‍યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડીના કારણે માછલીનું ઉત્‍પાદન મર્યાદિત હોય છે, પરંતુ માર્ચ મહિનાથી ગરમી ચાલુ થતા દરિયામાં માછલીની આવક વધતી હોય છે. આવી સ્‍થિતિમાં જો કન્‍ટેનરોનું લોડિગ વધે અને શિપમેન્‍ટ અટકી જાય તો કોલ્‍ડ સ્‍ટોરેજ ફૂલ થઈ જવાની સંભાવના છે અને નવી આવતી માછલીની નિકાસ અટકી શકે છે.

વેરાવળમાં ૧૫૦ જેટલી સીફડ ફેક્‍ટરીમાં એવરેજ ૫૦૦ ટનની કેપેસિટી ધરાવતા કોલ્‍ડ સ્‍ટોરેજ છે. પરંતુ હાલમાં ખાલી કન્‍ટેનરો આવવામાં ઘટાડો થયો છે. તેમજ ગરમીના કારણે ફળ અને ફ્રુટ માટે રેફ્રિજરેટર કન્‍ટેનરોની માંગ પણ વધે છે. બીજી તરફ માછલીઓનું ઈનપુટ પણ હાઈ છે, જેથી આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્‍થિતિના કારણે જો શિપમેન્‍ટ અટકશે તો કોલ્‍ડ સ્‍ટોરેજ ફૂલ થશે જેના કારણે સીફૂડ ઇન્‍ડસ્‍ટ્રી પર મુશ્‍કેલી વધવાની સંભાવના છે.

(10:18 AM IST)