<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય : પર્યાવરણવિદ સોનમ વાંગચુકની એનએસએ હેઠળની અટકાયત તાત્‍કાલિક રદ્દ

સંપૂર્ણપણે મુક્‍ત કરાયા : તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી થશે નહીં

નવી દિલ્‍હી : કેન્‍દ્ર સરકારે લદ્દાખમાં શાંતિ અને સંવાદનું વાતાવરણ પુનઃસ્‍થાપિત કરવા માટે ક્‍લાઈમેટ એક્‍ટિવિસ્‍ટ, જાણીતા એજ્‍યુકેશન રિફોર્મર સોનમ વાંગચુકને મુક્‍ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

હવે તેઓ સંપૂર્ણપણે મુક્‍ત છે અને તેમની સામે આ મામલે કોઈ અન્‍ય કાનૂની કાર્યવાહી થશે નહીં.

૨૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ ના રોજ લેહમાં થયેલા ઉગ્ર દેખાવો અને હિસા બાદ ૨૬ સપ્‍ટેમ્‍બરે સોનમ વાંગચુકની ‘નેશનલ સિક્‍યોરિટી એક્‍ટ' (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તેમને રાજસ્‍થાનની જોધપુર સેન્‍ટ્રલ જેલમાં રાખવામાં આવ્‍યા હતા.

જોકે, ૧૪ માર્ચ ૨૦૨૬ ના રોજ કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે (એમએચએ) એનએસએ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને તેમની અટકાયત તાત્‍કાલિક અસરથી રદ્દ કરવાનો આદેશ જારી કર્યો છે.

તાજેતરમાં જ તેમની પત્‍ની ગીતાંજાલિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ આ અટકાયત સામે અરજી કરવામાં આવી હતી.

સરકારે પોતાના નિવેદનમાં સ્‍પષ્ટ કર્યું છે કે, લદ્દાખમાં શાંતિ, સ્‍થિરતા અને પરસ્‍પર વિશ્વાસનું વાતાવરણ ફરીથી ઊભું કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. સરકાર લદ્દાખના તમામ હિતધારકો અને સામાજિક નેતાઓ સાથે સકારાત્‍મક અને અર્થપૂર્ણ સંવાદ સાધવા માંગે છે. આ ઉપરાંત, વાંગચુકે તેમની અટકાયતનો લગભગ અડધો સમય પૂરો કરી લીધો હોવાથી પણ આ રાહત આપવામાં આવી છે.

આમ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ અને રાજ્‍યનો દરજ્‍જો અપાવવા આંદોલન ચલાવનાર સોનમ વાંગચુકની ધરપકડને કેન્‍દ્ર સરકારે પાછી ખેંચી લીધી છે. ડિસ્‍ટ્રિક્‍ટ મેજિસ્‍ટ્રેટ (ડીએમ) ના આદેશથી થયેલી આ અટકાયત રદ્દ થતા લદ્દાખમાં શાંતિપૂર્ણ વાટાઘાટોનો માર્ગ મોકળો થયો છે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માં લદ્દાખમાં હડતાળ અને દેખાવોના કારણે પ્રવર્તેલી અશાંતિને પગલે એનએસએ હેઠળ તેમની અટકાયત થઈ હતી. ગૃહ મંત્રાલયે મામલાની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ હવે તેમને કાયમી ધોરણે મુક્‍ત કર્યા છે.

(3:30 PM IST)