હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ભીષણ મિસાઇલ હુમલો: હેલિકોપ્ટર લેન્ડિંગ પેડને નિશાન બનાવતા મચ્યો ખળભળાટ : અમેરિકી દૂતાવાસ દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી
હુમલા બાદ એમ્બેસી પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા; ઈરાન સમર્થિત સંગઠનો દ્વારા અમેરિકી ઠેકાણાઓ પર હુમલા તેજ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક

બગદાદ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઇરાકની રાજધાની બગદાદમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર મિસાઇલ હુમલો થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ દ્વારા બે ઇરાકી સુરક્ષા અધિકારીઓના હવાલેથી આપવામાં આવેલી વિગતો મુજબ, આ હુમલો અમેરિકી દૂતાવાસના અત્યંત સુરક્ષિત ગણાતા પરિસરની અંદર કરવામાં આવ્યો છે.
લેન્ડિંગ પેડ પર મિસાઇલ ત્રાટકી
મીડિયા અહેવાલો અનુસાર, એક શક્તિશાળી મિસાઇલ અમેરિકી દૂતાવાસના કમ્પાઉન્ડમાં આવેલા હેલિકોપ્ટર લેન્ડિંગ પેડ સાથે અથડાઈ હતી. હુમલો એટલો પ્રચંડ હતો કે તેના થોડા જ સમયમાં દૂતાવાસની મુખ્ય ઇમારત ઉપર આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. આ હુમલા બાદ દૂતાવાસની અંદર સાયરનો ગુંજી ઉઠી હતી અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
અમેરિકી દૂતાવાસનું મૌન
હુમલાની આ ગંભીર ઘટના બાદ બગદાદમાં સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી. સામાન્ય રીતે આવા હુમલાઓ બાદ અમેરિકી સત્તાવાળાઓ નુકસાનની સમીક્ષા કર્યા પછી જ વિગતો જાહેર કરતા હોય છે. હાલમાં એમ્બેસી પરિસરની આસપાસ સુરક્ષા કવચ વધુ મજબૂત કરી દેવામાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઈરાન સમર્થિત જૂથોની સક્રિયતા
ઉલ્લેખનીય છે કે, ઈરાન સાથેના યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી ઇરાકમાં સક્રિય ઈરાન સમર્થિત હથિયારબંધ જૂથો દ્વારા વારંવાર અમેરિકી સૈન્ય મથકો અને રાજદ્વારી મિશનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ અનેકવાર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા અમેરિકી દૂતાવાસને નિશાન બનાવવાના પ્રયાસો થયા છે. પશ્ચિમ એશિયાના બદલાતા સમીકરણો વચ્ચે અમેરિકી પ્રતિષ્ઠાનો પર વધતા હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
