<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતનો દબદબો: નવી દિલ્હીમાં રાજ્યને ‘MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ’થી કરાયું સન્માનિત

પ્રગતિશીલ નીતિઓ અને સુદ્રઢ માળખાકીય સુવિધાઓને કારણે એરોસ્પેસ ઉદ્યોગમાં ગુજરાત બન્યું મોડેલ સ્ટેટ; GUJSAIL દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વિકસાવાયેલ વિશ્વસ્તરીય MRO હેંગરની વૈશ્વિક નોંધ લેવાઈ

નવી દિલ્હી:ગુજરાતની ગૌરવયાત્રામાં ઉડ્ડયન ક્ષેત્રે વધુ એક સુવર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MRO Xpo India 2026’ કાર્યક્રમમાં ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (Maintenance, Repair, and Overhaul - MRO) ક્ષેત્રે શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા બદલ રાજ્ય સરકારના પ્રયાસોને આ એવોર્ડ દ્વારા બહુમાન મળ્યું છે.
ગ્લોબલ એવિએશન હબ બનવા તરફ ડગ માંડતું ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત તેની પ્રગતિશીલ ઉડ્ડયન નીતિઓ અને વ્યૂહાત્મક આયોજનને કારણે ભારતમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર MRO હેંગરનો વિકાસ એ ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) નું મહત્વનું યોગદાન છે. આ સુવિધા એરલાઇન્સ અને MRO સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સેવાઓ પૂરી પાડે છે.
રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ
રાજ્યમાં સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને કુશળ માનવશક્તિની ઉપલબ્ધતાને કારણે ગુજરાત એરોસ્પેસ અને વિમાન જાળવણી ક્ષેત્રે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા લાવવા તેમજ ઉદ્યોગ જગત સાથે સહયોગ વધારવા માટેની સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુજરાત સરકાર વતી GUJSAIL એ આ કાર્યક્રમમાં ભાગ લઈ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.
રાજ્યના વિઝનને મળ્યો નવો વેગ
આ મોટી સિદ્ધિ બદલ હર્ષ વ્યક્ત કરતા ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય માન્યતા ભારતની ઉડ્ડયન ક્ષમતાઓને મજબૂત કરવાના અને ગુજરાતને ગ્લોબલ એવિએશન હબ તરીકે સ્થાપિત કરવાના રાજ્યના વિઝનને વધુ ગતિ આપશે. ભવિષ્યમાં આ ક્ષેત્રમાં વધુ રોજગારીની તકો અને આધુનિક ટેકનોલોજીના આગમન સાથે ગુજરાત દેશના ઉડ્ડયન નકશા પર મોખરાનું સ્થાન જાળવી રાખશે.

(6:21 PM IST)