<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મેટામાં AIનો કહેર: માર્ક ઝુકરબર્ગના એક નિર્ણયથી 15,000 કર્મચારીઓની રોજીરોટી પર લટકતી તલવાર

કૃત્રિમ બુદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતી ફેસબુકની પેરેન્ટ કંપની મેટા હવે માનવ સંસાધનોમાં 20 ટકાનો જંગી કાપ મૂકીને વિશ્વભરના આઈટી સેક્ટરમાં ખળભળાટ મચાવવાની તૈયારી

કેલિફોર્નિયા:  મેટા પ્લેટફોર્મ્સમાં ફરી એકવાર છટણીનો ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આધુનિક AI ટેકનોલોજી હવે એવા કામો કરી રહી છે જેના માટે પહેલા આખી ટીમોની જરૂર પડતી હતી. કંપની તેના કુલ કાર્યબળના 20% એટલે કે આશરે 15,000 કર્મચારીઓને ઘરભેગા કરવાની યોજના બનાવી રહી છે. આ આંકડો 2022માં થયેલી 11,000 લોકોની ઐતિહાસિક છટણી કરતા પણ મોટો છે, જે દર્શાવે છે કે કંપની હવે 'માનવ શક્તિ' કરતા 'મશીન શક્તિ' પર વધુ ભરોસો કરી રહી છે.

ઝુકરબર્ગનું માનવું છે કે AI ના કારણે કામગીરી વધુ કાર્યક્ષમ બની છે, જેથી હવે વધારાના સ્ટાફની જરૂરત ઘટી ગઈ છે. જાન્યુઆરીમાં આપેલા નિવેદન મુજબ, જે પ્રોજેક્ટ્સ માટે ભૂતકાળમાં મોટી ટીમો રોકવી પડતી હતી, તે હવે એક જ પ્રતિભાશાળી એન્જિનિયર AI ની મદદથી પૂર્ણ કરી શકે છે. આ "એફિશિયન્સી" ના નામે લેવાયેલા નિર્ણયથી સોફ્ટવેર ડેવલપમેન્ટથી લઈને મેનેજમેન્ટ સુધીના તમામ સ્તરે ફાળફાળ પડી ગઈ છે. વરિષ્ઠ અધિકારીઓને પહેલેથી જ આ મોટા ફેરફાર માટે માનસિક રીતે તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

આ સમાચાર માત્ર મેટા પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગ્લોબલ ટેક માર્કેટ માટે એક ચેતવણી સમાન છે. જો મેટા જેવી દિગ્ગજ કંપની AI ના નામે આટલા મોટા પાયે છટણી કરી શકે, તો અન્ય ટેક કંપનીઓ પણ આ જ માર્ગ અપનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે તારીખની સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ કર્મચારીઓમાં ભયનો માહોલ છે કે ગમે ત્યારે તેમના ઇમેઇલ ઇનબોક્સમાં 'પિંક સ્લિપ' આવી શકે છે.

(6:40 PM IST)