News of Saturday, 14th March 2026
ન્યુઝીલેન્ડ જવાનો પ્લાન છે? તો પહેલા જાણી લો 'વેતન મર્યાદા'ના નવા ગણિત, નહીં તો વિઝા મેળવવામાં પડી શકે છે મુશ્કેલી!
પગાર ઓછો તો એન્ટ્રી પણ નહીં: ન્યુઝીલેન્ડ સરકારે વિદેશી કામદારો માટે વેતન સ્તરના કડક ધોરણો કર્યા લાગુ; જાણો કઈ રીતે તમારો પગાર નક્કી કરશે તમારા વિઝાનું ભવિષ્ય.

ઓકલેન્ડ: કુદરતી સૌંદર્યથી ભરપૂર ન્યુઝીલેન્ડમાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીયો માટે હવે માત્ર ડિગ્રી કે અનુભવ પૂરતો નથી, પરંતુ તમારી 'સેલેરી' કેટલી છે તે સૌથી મહત્વનું પરિબળ બની ગયું છે. ન્યુઝીલેન્ડ ઇમિગ્રેશન વિભાગે વર્ક વિઝા માટે 'વેતન મર્યાદા' (Wage Threshold) ના નવા અને કડક નિયમો રજૂ કર્યા છે. આ નિયમો મુજબ, જો કોઈ એમ્પ્લોયર તમને વિઝા કેટેગરી મુજબ નક્કી કરેલા લઘુત્તમ પગાર કરતા ઓછી ઓફર આપે, તો તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે.
ઇમિગ્રેશન અધિકારીઓ હવે તમારી કુલ સેલેરીને બદલે 'કલાકદીઠ વેતન' (Hourly Rate) પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ મર્યાદા ન્યુઝીલેન્ડના રાષ્ટ્રીય સરેરાશ વેતન સાથે સીધી જોડાયેલી છે. જેનો અર્થ એ છે કે જેમ જેમ ન્યુઝીલેન્ડના સ્થાનિક લોકોનો સરેરાશ પગાર વધશે, તેમ તેમ વિદેશી કામદારો માટેની લઘુત્તમ વેતન મર્યાદા પણ વધતી જશે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી વિદેશી કામદારોનું શોષણ ન થાય અને સ્થાનિક શ્રમ બજારની સંતુલન જળવાઈ રહે.
બજાર દર અને અનુભવનું મહત્વ
માત્ર સરેરાશ વેતન જ નહીં, પણ અધિકારીઓ 'માર્કેટ રેટ' પણ તપાસશે. દાખલા તરીકે, જો તમે આઈટી એન્જિનિયર હોવ, તો તે ક્ષેત્રમાં ન્યુઝીલેન્ડના સ્થાનિક રહેવાસીને જે પગાર મળે છે, તેની આસપાસ જ તમારો પગાર હોવો જોઈએ. જો તમારો પગાર બજાર દર કરતા ઓછો હોય, તો ઇમિગ્રેશન વિભાગ તમારી અરજી પર શંકા કરી શકે છે. જો કે, જેઓ પાસે પહેલેથી વિઝા છે, તેમને વિઝા રિન્યૂ ન કરાવવા ત્યાં સુધી જૂના દરો જ લાગુ પડશે, જે એક મોટી રાહત છે.
કયા વિઝા પર પડશે અસર?
આ નવા નિયમોની સૌથી વધુ અસર 'એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝા' (AEWV), કુશળ સ્થળાંતર (Skilled Migrant) અને 'વર્ક ટુ રેસિડેન્સ' માર્ગો પર પડશે. આ ઉપરાંત સીઝનલ વર્કર્સ અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ અલગ-અલગ વેતન મર્યાદા નક્કી કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ જવાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફર લેટર સ્વીકારતા પહેલા ન્યુઝીલેન્ડ ડોલર ($) માં ગણતરી કરી લે કે તેમનો પગાર નક્કી કરેલા થ્રેશોલ્ડ મુજબ છે કે નહીં.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
