હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધના પડછાયા વચ્ચે પણ દુબઈનો ક્રેઝ અકબંધ: શું હવાઈ હુમલા ગોલ્ડન વિઝા લેનારા ભારતીયોને રોકી શકશે?
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ છતાં ભારતીય રોકાણકારોનો દુબઈ પર અતૂટ ભરોસો; 'FOMO' ને બદલે હવે 'સમજદારી' થી સોદા કરી રહ્યા છે ધનકુબેર

દુબઈ: પશ્ચિમ એશિયાના આકાશમાં ડ્રોન અને મિસાઇલોના ગડગડાટ વચ્ચે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો કે શું દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ તેની ચમક ગુમાવશે? પરંતુ આંકડા અને નિષ્ણાતોના મતે ચિત્ર કંઈક અલગ જ છે. ભૂ-રાજકીય તણાવ છતાં, દુબઈના પ્રોપર્ટી-લિંક્ડ 'ગોલ્ડન વિઝા' માટે ભારતીય રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો નથી, માત્ર તેમની કામ કરવાની પદ્ધતિ બદલાઈ છે. રોકાણકારો અત્યારે "થોભો અને રાહ જુઓ" ની નીતિ અપનાવી રહ્યા છે, પણ મેદાન છોડીને ભાગી રહ્યા નથી.
દુબઈમાં ૨ મિલિયન AED (આશરે ૪.૫ કરોડ રૂપિયાથી વધુ) ની મિલકત ખરીદનારને મળતા ૧૦ વર્ષના ગોલ્ડન વિઝા ભારતીયો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. નિષ્ણાતો જણાવે છે કે અત્યારે બજારમાં 'FOMO' (કંઈક છૂટી જવાનો ડર) પૂરો થયો છે અને રોકાણકારો વધુ સમજદાર બન્યા છે. તેઓ હવે સોદો ફાઈનલ કરતા પહેલા યોગ્ય તપાસ (Due Diligence) માટે વધુ સમય લઈ રહ્યા છે. આ મંદીનો ઉપયોગ તેઓ ડેવલપર્સ પાસેથી વધુ સારી પેમેન્ટ પ્લાન અને ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરી રહ્યા છે.
દુબઈ જ કેમ છે સુરક્ષિત બંદર?
રોકાણકારો માને છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં મૂડી ક્યારેય નાશ પામતી નથી, તે માત્ર સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરે છે. દુબઈની કરમુક્ત વ્યવસ્થા, ૬ થી ૮ ટકા જેટલી ઊંચી ભાડાની આવક અને યુએસ ડોલર સામે દિરહામની સ્થિરતા ભારતીયોને આર્થિક સુરક્ષા આપે છે. વળી, ભારતથી ભૌગોલિક નિકટતા અને ત્યાંની આધુનિક જીવનશૈલીને કારણે મુશ્કેલ સમયમાં પણ દુબઈ એક 'સેફ હેવન' તરીકે ઉભરી આવ્યું છે.
ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, દુબઈની એર-ડિફેન્સ સિસ્ટમ અને કટોકટી વ્યવસ્થાપન એટલું મજબૂત છે કે રોકાણકારોને તેની સુરક્ષા પર પૂરો ભરોસો છે. હવાઈ હુમલાઓ કદાચ સમાચારની હેડલાઈન બની શકે, પરંતુ તે દુબઈના લાંબા ગાળાના આર્થિક પાયાને હલાવી શક્યા નથી. ભારતીય ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે ગોલ્ડન વિઝા માત્ર રહેઠાણનો પરવાનો નથી, પરંતુ અનિશ્ચિત ભવિષ્ય સામેનું એક મજબૂત વીમા કવચ બની રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
