<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ફાર્મા ક્ષેત્રે ભારતની 'માસ્ટરસ્ટ્રોક' ગેમ: ચીન પરની નિર્ભરતા ઘટશે: કઠુઆમાં ખુલશે દેશની પહેલી એન્ટિબાયોટિક કંપની

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ₹600 કરોડના ઓર્કિડ બાયો ફાર્મા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો: કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સામે લડવા માટે હવે ભારતમાં જ બનશે જીવનરક્ષક દવાઓ

કઠુઆ  :  ભારતના આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે શનિવારનો દિવસ સુવર્ણ અક્ષરે લખવા જેવો સાબિત થયો છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ₹600 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 'ઓર્કિડ બાયો ફાર્મા' કંપનીનો શિલાન્યાસ કર્યો છે. આ માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ ભારતની દવાઓ માટે ચીન પરની વર્ષો જૂની નિર્ભરતા ખતમ કરવાની એક મોટી શરૂઆત છે. અત્યાર સુધી જે એન્ટિબાયોટિક્સ આપણે પાડોશી દેશોથી આયાત કરતા હતા, તે હવે "મેડ ઇન ઇન્ડિયા" ટેગ સાથે આપણા પોતાના દેશમાં તૈયાર થશે. કઠુઆના બડાલા વિસ્તારમાં શરૂ થનારો આ પ્રોજેક્ટ આગામી બાયોટેક ક્રાંતિમાં ભારતને ગ્લોબલ લીડર બનાવશે.

આ કંપની ખાસ કરીને '7-એમિનોસેફાલોસ્પોરીનિક એસિડ'નું ઉત્પાદન કરશે, જે કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓમાં થતા પ્રતિરોધક ચેપની સારવાર માટે અનિવાર્ય છે. ડૉ. જીતેન્દ્ર સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે કઠુઆ ભલે ટાયર-2 શહેર હોય, પરંતુ તેની પસંદગી ભારતની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક કંપની માટે થવી એ એક ઐતિહાસિક સિદ્ધિ છે. ધાનુકા ગ્રુપના સહયોગથી સ્થપાઈ રહેલી આ બહુરાષ્ટ્રીય કંપની માત્ર દવાઓ જ નહીં, પણ સમગ્ર જમ્મુ-કાશ્મીર માટે રોજગારનું સૌથી મોટું કેન્દ્ર પણ બનશે. અંદાજે 40 દેશોમાં નેટવર્ક ધરાવતી આ કંપનીના આગમનથી સ્થાનિક અર્થતંત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે.

કઠુઆ હવે ધીમે ધીમે ઉત્તર ભારતનું ઔદ્યોગિક અને આરોગ્ય હબ બની રહ્યું છે. અહીં પહેલાથી જ ઉત્તર ભારતનો પ્રથમ બાયોટેક પાર્ક છે, અને હવે હોમિયોપેથી કોલેજ તેમજ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવી સુવિધાઓ પણ પાઈપલાઈનમાં છે. એટલું જ નહીં, કેન્સરના દર્દીઓ માટે પણ અહીં અત્યાધુનિક સુવિધાઓ અને રેડિયેશન સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સરકારનો લક્ષ્ય છે કે કઠુઆના સર્જનોને વિદેશમાં તાલીમ અપાવીને આ વિસ્તારને હેલ્થ સેક્ટરમાં આખા દેશમાં અગ્રેસર બનાવવામાં આવે.

(7:48 PM IST)