<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગંગા મૈયાની રક્ષા કાજે સુપ્રીમ કોર્ટનો 'બ્રહ્માસ્ત્ર' જેવો આદેશ: નદી કિનારેથી અતિક્રમણ હટાવવા રાજ્યોને અલ્ટીમેટમ

પટનાથી પશ્ચિમ બંગાળ સુધી ગંગાના પૂરના મેદાનો પર થયેલા ગેરકાયદે બાંધકામો મામલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને 8 રાજ્યો પાસે મંગાવ્યો વિગતવાર રિપોર્ટ : પર્યાવરણના રક્ષણ માટે કડક કાર્યવાહીના સંકેત

નવી દિલ્હી : પવિત્ર ગંગા નદીના અસ્તિત્વ અને પૂરના મેદાનો પર વધી રહેલા ગેરકાયદે અતિક્રમણ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોને નોટિસ જારી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નદીના કુદરતી પ્રવાહને અવરોધતા કોઈપણ બાંધકામને સાંખી લેવામાં આવશે નહીં. બિહારના પટનામાં દિઘા ઘાટ પાસે ઓળખાયેલા 213 અતિક્રમણોમાંથી હજુ પણ 145 બાકી હોવા બદલ અદાલતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

અદાલતે કેન્દ્ર સરકાર અને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાને 2024 પછીની વર્તમાન સ્થિતિનો નવો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને સણસણતા સવાલો પૂછ્યા છે કે, 2016ના પર્યાવરણ સંરક્ષણ નોટિફિકેશનનો અમલ કરવામાં કયા અવરોધો આવી રહ્યા છે અને પૂરના મેદાનોનું સીમાંકન ક્યાં સુધી પહોંચ્યું છે. અત્યાર સુધી અનેક રાજ્યોમાં કોર્ટના સ્ટે ઓર્ડરના બહાને અતિક્રમણ હટાવવાની પ્રક્રિયા ધીમી પડી હતી, જેને હવે કોર્ટે વેગ આપવા સૂચના આપી છે.

પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંગાના ઇકોલોજીકલ પ્રવાહને જાળવી રાખવો અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે 23 એપ્રિલ, 2026 ના રોજ આગામી સુનાવણી નિયત કરી છે, ત્યાં સુધીમાં તમામ રાજ્યોએ નદી કિનારાની સફાઈ અને અતિક્રમણ મુક્તિનો રોડમેપ રજૂ કરવો પડશે. આ આદેશથી ગંગા કિનારે વસેલા ગેરકાયદે વસાહતીઓ અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે સર્વોચ્ચ અદાલત હવે પોતે આ મિશનનું સીધું મોનિટરિંગ કરી રહી છે.

(8:12 PM IST)