હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરુણાચલના જંગલોમાં ખીલ્યું 'કુદરતનું રહસ્ય': ૧૮૯ વર્ષ બાદ દુર્લભ વનસ્પતિ પ્રજાતિનું પુનરાગમન
બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ લોહિત જિલ્લાના ગહન જંગલોમાંથી 'હેન્કેલિયા મોનોફિલા' શોધી કાઢી; ૧૯મી સદી બાદ લુપ્ત મનાતો આ છોડ ફરી જોવા મળતા વનસ્પતિશાસ્ત્રીઓમાં ભારે ઉત્સાહ

ઇટાનગર : ભારતના પૂર્વીય છેડે આવેલા 'ઉગતા સૂર્યના પ્રદેશ' અરુણાચલ પ્રદેશમાંથી વનસ્પતિશાસ્ત્રની દુનિયાને ચોંકાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (BSI) ના વૈજ્ઞાનિકોએ લોહિત જિલ્લામાં હાથ ધરેલા સર્વેક્ષણ દરમિયાન 'હેન્કેલિયા મોનોફિલા' નામનો અત્યંત દુર્લભ છોડ શોધી કાઢ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રજાતિ છેલ્લે ૧૯મી સદીની શરૂઆતમાં એટલે કે લગભગ ૧૮૯ વર્ષ પહેલાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ આટલા લાંબા સમય સુધી આ છોડ ક્યાંય જોવા મળ્યો ન હોવાથી તેને લુપ્તપ્રાય શ્રેણીમાં ગણવામાં આવતો હતો, પરંતુ કુદરતે ફરી એકવાર પોતાની જૈવવિવિધતાનો પરચો આપ્યો છે.
ગેશનેરિયાસી પરિવારનો આ 'હેન્કેલિયા મોનોફિલા' એક બારમાસી છોડ છે, જે મુખ્યત્વે અત્યંત ભેજવાળા અને ગાઢ જંગલી વિસ્તારોમાં ખીલે છે. આ છોડની વિશેષતા તેના અંડાકાર પાંદડા અને લાંબા કેપ્સ્યુલ જેવા ફળો છે, જેમાં અસંખ્ય નાના બીજ સમાયેલા હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ શોધ પૂર્વીય હિમાલયના વનસ્પતિ રેકોર્ડમાં એક નવો અધ્યાય ઉમેરશે. આટલા દાયકાઓ પછી પણ આ પ્રજાતિનું અસ્તિત્વ ટકી રહેવું એ દર્શાવે છે કે અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારો આજે પણ માનવીય હસ્તક્ષેપથી મુક્ત અને કુદરતી રીતે અકબંધ છે.
રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આ નવી શોધ અરુણાચલની અસાધારણ જૈવવિવિધતા અને 'હોટસ્પોટ' તરીકેની તેની ઓળખને મજબૂત કરે છે. વનસ્પતિશાસ્ત્રીઓ હવે આ પ્રજાતિના સંરક્ષણ માટે વિશેષ ભાર મૂકી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આ પર્યાવરણીય ખજાનો ફરી ક્યારેય લુપ્ત ન થાય. આ શોધ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક વનસ્પતિ વિજ્ઞાન ક્ષેત્રે પણ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
