હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝ સ્ટ્રેટમાં મોતનો પડછાયો: આકાશમાં મિસાઇલો અને ડ્રોન વચ્ચે ફસાયું ભારતનું LPG ટેંકર, ૩૩ ભારતીય ક્રૂ મેમ્બર્સના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાત આવી રહેલું જહાજ યુદ્ધની જ્વાળાઓમાં ફસાયું: મુંબઈના કેપ્ટન વીરેન્દ્ર વિશ્વકર્મા સહિતના પરિવારોની સરકારને આક્રંદ ભરી અપીલ; ભારતીય નૌકાદળની મદદની આતુરતાથી જોવાય રહી છે રાહ.

મુંબઈ: અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા સૈન્ય તણાવે હવે સામાન્ય ભારતીય પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. કુવૈતથી ૩.૬ મિલિયન ઘરેલું ગેસ સિલિન્ડર ભરી શકાય તેટલું LPG લઈને ગુજરાત આવી રહેલું એક વિશાળ ટેંકર હાલમાં વિશ્વના સૌથી જોખમી દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પાસે ફસાઈ ગયું છે. આ જહાજ પર મુંબઈના કેપ્ટન વીરેન્દ્ર વિશ્વકર્મા સહિત ૩૩ ભારતીય ક્રૂ સભ્યો સવાર છે, જેઓ છેલ્લા ૧૨ દિવસથી યુદ્ધના ભય નીચે જીવી રહ્યા છે.
જહાજના કેપ્ટને મોકલેલા સંદેશા મુજબ, સ્થિતિ અત્યંત ભયાનક છે. જહાજની ઉપરથી સતત મિસાઇલો અને ડ્રોન પસાર થઈ રહ્યા છે અને યુદ્ધના સાયરનનો અવાજ તેમને પળેપળે મોતનો અહેસાસ કરાવી રહ્યો છે. ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવતા આ ટેંકર અત્યારે યુએઈ (UAE) ના મીના સકર બંદર પર લાંગરેલું છે અને આગળ વધવા માટે ભારતીય નૌકાદળ (Indian Navy) ના પ્રોટેક્શનની રાહ જોઈ રહ્યું છે.
પરિવારજનોની આંખોમાં આંસુ અને આશા
કેપ્ટન વીરેન્દ્ર વિશ્વકર્માના પત્નીએ અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે, "અમે ઘણા દિવસોથી સૂઈ શક્યા નથી. આખો પરિવાર ભયમાં છે. વીડિયો કોલ પર જ્યારે વાત થાય છે ત્યારે આકાશમાં ઉડતા ડ્રોન જોઈને અમારું દિલ બેસી જાય છે." પરિવારજનોએ ભારત સરકાર અને વડાપ્રધાનને વિનંતી કરી છે કે જેમ બને તેમ જલ્દી નૌકાદળના યુદ્ધજહાજો મોકલીને આ ટેંકરને સુરક્ષિત રીતે ગુજરાતના દીનદયાલ બંદર (કચ્છ) સુધી લાવવામાં આવે.
૬૦ દિવસનો ખોરાક, પણ સુરક્ષાનો સવાલ
જહાજ પર હાલમાં ૬૦ દિવસ ચાલે તેટલો ખોરાક અને પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ દરિયામાં વધી રહેલી સૈન્ય ગતિવિધિઓને જોતા કોઈપણ ક્ષણે જહાજ પર હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે. જહાજની ઓપરેટિંગ કંપની GESCO પણ સતત સરકાર અને નૌકાદળના સંપર્કમાં છે.
ગુજરાત અને ભારતના રસોડા સુધી પહોંચતો ગેસ અત્યારે યુદ્ધના મેદાનમાં અટવાયો છે, ત્યારે ભારત સરકારની 'ઓપરેશન સંકટ મોચન' જેવી કોઈ મોટી કાર્યવાહી આ ૩૩ ભારતીયો માટે નવું જીવનદાન સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
