News of Saturday, 14th March 2026
"બંગાળમાં પરિવર્તન દિવાલ પર લખાયેલું છે": જંગલરાજ, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીના મુદ્દે મમતા બેનર્જીને ઘેર્યા; ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપના પ્રચંડ પ્રચારના શ્રીગણેશ
બંગાળના રણમેદાનમાં પીએમ મોદીની સિંહગર્જના: કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડથી મમતા સરકાર પર કર્યા ૧૦ આકરા પ્રહાર, ₹૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સની આપી ભેટ!

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર સામે મોરચો ખોલ્યો છે. પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ આ મેદાનમાં જંગી મેદનીને સંબોધતા પીએમ મોદીએ બંગાળી ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બંગાળમાં હવે જંગલરાજનો અંત આવશે અને ભાજપ અહીં સુશાસન લાવશે.
વડાપ્રધાને આ પ્રસંગે બંગાળ અને પૂર્વી ભારતના વિકાસ માટે ₹૧૮,૮૬૦ કરોડ થી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં રેલ્વે, બંદર અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે.
પીએમ મોદીના મમતા સરકાર પર ૧૦ મોટા પ્રહારો:
૧. જંગલરાજ અને ગુનાખોરી: પીએમએ કહ્યું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે, ગુનેગારોને સરકારનું રક્ષણ મળી રહ્યું છે.
૨. નોકરીઓમાં ભ્રષ્ટાચાર: "બંગાળના યુવાનો પાસે ડિગ્રી છે પણ કામ નથી, નોકરીઓ ખુલ્લા બજારમાં વેચાઈ રહી છે."
૩. સંદેશખલી અને આરજી કારની ઘટના: સંદેશખલી અને આરજી કાર હોસ્પિટલની ઘટનાઓનો ઉલ્લેખ કરી પીએમએ કહ્યું કે બંગાળની જનતા આ અન્યાયને ભૂલી નથી.
૪. કેન્દ્રીય યોજનાઓમાં અવરોધ: આયુષ્માન ભારત જેવી ગરીબો માટેની યોજનાઓ બંગાળમાં લાગુ ન કરવા બદલ સરકારની ટીકા કરી.
૫. ઘૂસણખોરીનો મુદ્દો: પીએમએ આક્ષેપ કર્યો કે ઘૂસણખોરો બંગાળને લૂંટી રહ્યા છે અને મૂળ નિવાસીઓને લઘુમતી બનાવી રહ્યા છે.
૬. વિકાસ પર બ્રેક: ટીસીએમ સરકારે કેન્દ્રના પ્રોજેક્ટ્સને અટકાવીને બંગાળના વિકાસની ગતિ ધીમી કરી હોવાનો આરોપ.
૭. રાષ્ટ્રપતિનું અપમાન: આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની ટિપ્પણીઓને લઈને પીએમએ તેને આખા આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું.
૮. ભરતીમાં કૌભાંડ: શિક્ષણ વિભાગમાં થયેલા ભરતી કૌભાંડનો ઉલ્લેખ કરી મમતા સરકારને ઘેરી.
૯. હિંસાની રાજનીતિ: રેલી રોકવા માટે વાહનો પર હુમલા અને પોસ્ટરો ફાડવાની ટીકા કરતા કહ્યું કે "લોકોના પૂરને કોઈ રોકી શકશે નહીં."
૧૦. વિકાસનો નવો મંત્ર: પીએમએ 'સબકા સાથ, સબકા વિકાસ' અને 'ગુનેગારોને જેલ' નો નવો મંત્ર આપ્યો.
બંગાળનું પુનર્નિર્માણ કરવાની મોદીની ગેરંટી
પીએમ મોદીએ વચન આપ્યું હતું કે જો બંગાળમાં ભાજપની સરકાર આવશે, તો રામકૃષ્ણ પરમહંસ અને રવીન્દ્રનાથ ટાગોરની કલ્પનાનું બંગાળ ફરીથી બનાવવામાં આવશે. તેમણે "મોદીની ગેરંટી" આપતા કહ્યું કે દરેક ગરીબને કાયમી ઘર અને નળથી જળ મળશે. આ રેલીમાં ઉમટેલી મેદની અને પીએમનો આક્રમક અંદાજ સૂચવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં બંગાળમાં જોરદાર રાજકીય જંગ ખેલાશે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
