તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Saturday, 14th March 2026
રાંચી સ્ટેશન પર હૃદયદ્રાવક અકસ્માત: ટ્રેનની છત પર ચઢેલા યુવાનને 25,000 વોલ્ટનો જીવંત કરંટ લાગતા શરીર ભડભડ સળગી ઉઠ્યું
નવી ટ્રેનના લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રીની હાજરી વચ્ચે સુરક્ષાના લીરેલીરા ઉડ્યા; હાઈ-વોલ્ટેજ ઓવરહેડ વાયરના સંપર્કમાં આવતા 28 વર્ષીય યુવાન ગંભીર રીતે દાઝ્યો, હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ

રાંચી: ઝારખંડની રાજધાની રાંચી રેલ્વે સ્ટેશન શનિવારે બપોરે એક ભયાનક દુર્ઘટનાનું સાક્ષી બન્યું હતું, જેના કારણે સમગ્ર પ્લેટફોર્મ પર અફરાતફરી મચી ગઈ હતી. નવી ટ્રેનના ભવ્ય લોકાર્પણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે માસ્કો ઓરાઓન નામનો 28 વર્ષીય યુવાન પ્લેટફોર્મ નંબર બે પર ઉભેલી પુરુલિયા-આનંદ વિહાર એક્સપ્રેસની છત પર ચઢી ગયો હતો. જેવો તે છત પર ઉભો થયો, તેનો સંપર્ક ઉપરથી પસાર થતા 25,000 વોલ્ટના હાઈ-ટેન્શન ઓવરહેડ વાયર સાથે થયો હતો. વીજ આંચકો એટલો પ્રચંડ હતો કે જોતજોતામાં યુવાનના શરીરમાં આગ લાગી ગઈ હતી અને તે ભડભડ સળગવા લાગ્યો હતો, આ દ્રશ્ય જોઈને સ્ટેશન પર હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
રેલ્વે વહીવટીતંત્રની ગંભીર સુરક્ષા ચૂકનો પર્દાફાશ કરતી આ ઘટના સમયે સ્ટેશન પર કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ, સ્થાનિક ધારાસભ્ય અને મેયર સહિતના મહાનુભાવો હાજર હતા. હાઈ-વોલ્ટેજ કરંટ લાગતા જ યુવાનના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા અને તે નિષ્પ્રાણ હાલતમાં ટ્રેનની છત પર જ ઢળી પડ્યો હતો. રેલ્વે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવી અત્યંત જોખમી રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને નીચે ઉતારી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક રાંચીની ગુરુ નાનક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ભયાનક અકસ્માત બાદ રેલ્વે સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. કેન્દ્રીય મંત્રી સંજય સેઠે આ ઘટનાને ગંભીરતાથી લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. સબ-ઇન્સ્પેક્ટર સોહન લાલે જણાવ્યું હતું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે યુવાન ટ્રેનની છત પર કયા સંજોગોમાં ચઢ્યો અને તે સમયે ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ હાજર હતો કે નહીં. આ અકસ્માતે હાઈ-વોલ્ટેજ લાઈનવાળા રેલ્વે ટ્રેક પર મુસાફરોની બેદરકારી અને વહીવટીતંત્રની સજ્જતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો મૂક્યા છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
