<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો હવે ઘરેલું LPG સિલિન્ડર નહીં રાખી શકે, તુરંત સરેન્ડર કરવા આદેશ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પડાયું: પાઈપ્ડ નેચરલ ગેસ હોવા છતાં ગેસ સિલિન્ડર રાખવો કે રિફિલ કરાવવું હવે 'પ્રતિબંધિત પ્રવૃત્તિ' ગણાશે

નવી દિલ્હી : ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આજે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડીને 'લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન) ઓર્ડર, ૨૦૦૦' માં મોટા સુધારાની જાહેરાત કરવામાં આવી છે. 'એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, ૧૯૫૫' ની કલમ ૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે હવે નિયમો વધુ કડક બનાવ્યા છે. નવા સુધારા મુજબ, જે ગ્રાહકોના ઘરે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નું કનેક્શન છે, તેઓ હવેથી ઘરેલું LPG કનેક્શન પોતાની પાસે રાખી શકશે નહીં.
નિયમોમાં કરાયેલા મહત્વના ફેરફારો:
૧. તત્કાલ સરેન્ડરનો આદેશ: જે વ્યક્તિઓ પાસે PNG કનેક્શન છે અને તેની સાથે ઘરેલું LPG કનેક્શન પણ ધરાવે છે, તેમણે તેમનું LPG કનેક્શન તાત્કાલિક અસરથી સરેન્ડર કરવું પડશે. આવા ગ્રાહકો કોઈપણ સરકારી ઓઈલ કંપની કે તેમના ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી ગેસ રિફિલ કરાવી શકશે નહીં.
૨. નવા કનેક્શન પર પ્રતિબંધ: જે ગ્રાહકો પાસે પહેલેથી જ PNG કનેક્શન ઉપલબ્ધ છે, તેઓ નવું ઘરેલું LPG કનેક્શન મેળવી શકશે નહીં કે સિલિન્ડર રિફિલ માટે બુકિંગ કરાવી શકશે નહીં.
૩. ઓઈલ કંપનીઓ માટે કડક સૂચના: નોટિફિકેશનમાં ઓઈલ કંપનીઓ માટેની 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓ' (Prohibited Activities) ની યાદીમાં કલમ ૧૩ ઉમેરવામાં આવી છે. આ મુજબ, જો કોઈ ગ્રાહક પાસે PNG કનેક્શન હોય, તો તેને LPG કનેક્શન પૂરું પાડવું અથવા સિલિન્ડર રિફિલ આપવું તે હવેથી કાયદાકીય રીતે પ્રતિબંધિત ગણાશે.
ગેઝેટમાં પ્રસિદ્ધ થતા જ અમલી:
આ નવો આદેશ 'લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન) એમેન્ડમેન્ટ ઓર્ડર, ૨૦૨૬' તરીકે ઓળખાશે. મંત્રાલયના અન્ડર સેક્રેટરી રમેશ કૃષ્ણા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી આ સૂચના સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થવાની તારીખથી જ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ ગેસ સંસાધનોનો યોગ્ય વપરાશ સુનિશ્ચિત કરવાનો અને ડ્યુઅલ કનેક્શનની સુવિધા પર રોક લગાવવાનો છે.
ફાઈલ નંબર [F. No. M-13017(11)/3/2026-LPG-PNG] હેઠળ બહાર પાડવામાં આવેલો આ આદેશ હવે તમામ ગેસ એજન્સીઓ અને ઓઈલ કંપનીઓએ ચુસ્તપણે પાળવો પડશે.

(10:52 PM IST)