<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

પાણી પર યુદ્ધ: ઈરાનના કેશમ આઈલેન્ડ પર અમેરિકાનો સર્જિકલ હુમલો, ૩૦ ગામોમાં હાહાકાર અને ઈરાનની આરપારની ચેતવણી

જળ શુદ્ધિકરણ પ્લાન્ટને ટાર્ગેટ કરતા માનવીય સંકટ ઊભું; વિદેશ મંત્રી અરાઘચીએ હુમલાને 'ભયંકર અને નિરાશાજનક અપરાધ' ગણાવી આપ્યો વળતા પ્રહારનો સંકેત: મધ્ય પૂર્વમાં વધતી જતી અરાજકતા વચ્ચે યુદ્ધનું મેદાન વિસ્તર્યું.

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે માનવીય પાયાની જરૂરિયાતોને પણ યુદ્ધના મેદાનમાં ધકેલી દીધી છે. અમેરિકાએ કેશમ આઈલેન્ડ પર આવેલા ઈરાનના મહત્વપૂર્ણ જળ શુદ્ધિકરણ (ડીસેલિનેશન) પ્લાન્ટ પર કરેલા હુમલાએ સમગ્ર પ્રદેશમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. આ હુમલાના પરિણામે આસપાસના ૩૦ ગામડાઓનો પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કાયમ માટે બંધ થઈ ગયો છે, જેનાથી હજારો લોકો માટે જીવનજરૂરી પાણીનું સંકટ ઊભું થયું છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું છે કે, અમેરિકાએ ઈરાનની માળખાગત સુવિધાઓ પર હુમલો કરીને એક ખતરનાક પરંપરાની શરૂઆત કરી છે.

હુમલા બાદની સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાની વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને 'ભયંકર અને નિરાશાજનક અપરાધ' તરીકે વર્ણવીને વૈશ્વિક મંચ પર અમેરિકાની આકરી ટીકા કરી છે. અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ઈરાનની નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને અમેરિકાએ જે ભૂલ કરી છે તેના ગંભીર અને દૂરગામી પરિણામો ભોગવવા પડશે. ઈરાનનું વલણ હવે સ્પષ્ટ જણાય છે કે તે માત્ર નિવેદનબાજી પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ આ હુમલાનો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

આ હુમલાએ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને પરાકાષ્ઠાએ પહોંચાડી દીધો છે. જ્યારે યુદ્ધના મેદાનમાં સૈન્ય મથકોને બદલે સામાન્ય જનતાની જીવાદોરી સમાન જળ સુવિધાઓ પર હુમલા થઈ રહ્યા હોય, ત્યારે તે મધ્ય પૂર્વની ભૌગોલિક રાજનીતિમાં એક વિનાશક વળાંક સૂચવે છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા આક્રમક વલણ ચાલુ રાખશે, તો ઈરાન પણ વળતી કાર્યવાહીમાં અમેરિકી હિતોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યારે અણધાર્યો અને મોટો સંઘર્ષ ફાટી નીકળી શકે છે, જેની અસર માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોવા મળશે.

(11:44 AM IST)