હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ એઈમ્સના ત્રીજા વર્ષના મેડિકલ વિદ્યાર્થી રાજસ્થાનના રતન કુમાર મેઘવાલના આપઘાત કેસમાં મોટો ખુલાસો, ૫ સાથી તબીબોની કનડગતથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂક્યું
મારવાડી ભાષામાં મળેલી સ્યુસાઈડ નોટના આધારે ગાંધીગ્રામ પોલીસે પાંચ સિનિયર રેસિડેન્ટ તબીબો ડૉ. પ્રણવ પાણીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વેદન યાદવ અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરી: વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરવા મામલે આપતા હતા ત્રાસ

રાજકોટ: અહીંની પ્રતિષ્ઠિત એઈમ્સ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબના આપઘાત કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૂળ રાજસ્થાનના વતની અને રાજકોટ એઈમ્સમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૬ વર્ષીય રાજસ્થાની યુવાન રતન કુમાર મેઘવાળે શનિવારે ટ્રેન નીચે પડતું મૂકીને કમકમાટીભર્યું મોત વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસને રેલવે ટ્રેક પાસેથી મૃતકનો મોબાઈલ ફોન, લેપટોપ, એઈમ્સ હોસ્પિટલનું આઈકાર્ડ અને સૌથી મહત્વની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સ્યુસાઈડ નોટ મારવાડી ભાષામાં લખવામાં આવી છે, જેને પોલીસે કબજે કરી છે. આ અંતિમ ચિઠ્ઠીમાં થયેલા ગંભીર આક્ષેપોને આધારે પોલીસે મેડિકલના છેલ્લા (પાંચમા) વર્ષમાં અભ્યાસ કરતા પાંચ સિનિયર તાલીમાર્થી તબીબો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની સત્તાવાર ધરપકડ કરી છે.
ગાંધીગ્રામ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક રતન કુમાર મહિલા તબીબ કે અન્ય લોકો સાથે જ્યારે પણ વાતચીત કરતો, ત્યારે આ પાંચેય સિનિયર ડોક્ટરોને તે બિલકુલ ગમતું નહોતું. આ સામાન્ય બાબતને લઈને તેઓ આ યુવકને વારંવાર માનસિક ત્રાસ આપીને હેરાન કરતા હતા. આ સતત થતી હેરાનગતિથી કંટાળીને અંતે રતને આત્યંતિક પગલું ભર્યું હતું.
રાજકોટ પોલીસના એસીપી બી. જે. ચૌધરીના જણાવ્યા અનુસાર, મૃતક રતને અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વહેલી સવારે હોસ્ટેલ છોડીને જતો રહ્યો હતો, જેથી એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુમસુધાની નોંધ પણ કરાવી હતી. ત્યારે પોલીસે ભારે જહેમત બાદ તેને પરા પીપળીયા રેલવે ટ્રેક પાસેથી શોધી કાઢીને તેના માતા-પિતાને સોંપ્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેને રાજસ્થાન લઈ ગયા હતા. રાજસ્થાનથી પરત આવ્યા બાદ તેણે શા માટે હોસ્ટેલમાં પ્રવેશ ન કર્યો અને અભ્યાસ શરૂ ન કર્યો તે અંગેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
શું હતી સ્યુસાઈડ નોટમાં વિગત?
પોલીસ દ્વારા મારવાડી ભાષામાં લખાયેલી અસલ સંપૂર્ણ સ્યુસાઈડ નોટ તપાસના કારણોસર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ધરપકડ કરાયેલા પાંચેય સિનિયર તબીબો તેને વિદ્યાર્થિનીઓ અને અન્ય લોકો સાથે બોલવા બાબતે વારંવાર દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા, જેના પરિણામે તે હતાશામાં ધકેલાઈ ગયો હતો અને આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો.
> ધરપકડ કરાયેલા ૫ આરોપી ડોક્ટરોના નામ:
> ૧. ડૉ. પ્રણવ પાણીવાલ
> ૨. અસ્મિત શર્મા
> ૩. આયુષ યાદવ
> ૪. નિર્વેદન યાદવ
> ૫. યુવરાજ ચૌધરી
આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે મૃતકના પરિવારજનો, હોસ્ટેલ સ્ટાફ અને સાથે અભ્યાસ કરતા અન્ય તબીબોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
