<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે યુદ્ધના ભણકારા: ઈસ્લામાબાદમાં ડ્રોન હુમલા અને કાબુલમાં બોમ્બમારાથી દક્ષિણ એશિયામાં તણાવનો વિસ્ફોટ

પાકિસ્તાની પાટનગરમાં ડ્રોન તોડી પડાયા, સરહદ પાર અફઘાનિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર પાકિસ્તાની હવાઈ હુમલા: બંને દેશો વચ્ચે વકરતી દુશ્મનાવટમાં 6ના મોત

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત નાજુક તબક્કે પહોંચી ગયા છે. પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં સલામતી એજન્સીઓએ વિસ્ફોટકોથી ભરેલા બે ડ્રોન તોડી પાડતા ભારે ખળભળાટ મચી ગયો છે. મીડિયા અહેવાલો મુજબ, એક ડ્રોન ફૈઝાબાદ વિસ્તાર પાસે તો બીજું ડ્રોન આઈ-નાઈન સેક્ટર પાસે આકાશમાં જ નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પાકિસ્તાની સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓએ ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ હોવાની અફવાઓને ફગાવી દીધી છે અને ત્યાં ફ્લાઈટ્સ સામાન્ય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું છે.

આ ડ્રોન હુમલા પાછળનો હેતુ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટના પહેલા, અફઘાનિસ્તાને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના કોહાટ વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણાઓ પર વળતો પ્રહાર કર્યો હતો. વળતી કાર્યવાહીના ભાગરૂપે પાકિસ્તાને ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કંધારના સંવેદનશીલ વિસ્તારોમાં આક્રમક હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાનના અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 15 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તણાવ વધતા તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. મુજાહિદે દાવો કર્યો છે કે પાકિસ્તાને ખાનગી વિમાન કંપની ‘કામ એર’ના ઈંધણ ડેપોને ખાસ કરીને નિશાન બનાવ્યું છે, જે આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. મુજાહિદે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાનો અફઘાનિસ્તાન દ્વારા યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ નિવેદન બાદ સરહદી વિસ્તારોમાં બંને દેશોની સેનાઓ સામસામે આવી ગઈ છે.

આ સંઘર્ષ હવે સીમાઓ ઓળંગીને શહેરના હૃદય સમાન ઈસ્લામાબાદ સુધી પહોંચતા, સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો ભય સેવાઈ રહ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો આ સીધો સંઘર્ષ માત્ર બંને દેશોની સુરક્ષા માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશના શાંતિના વાતાવરણ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. હવે દુનિયાની નજર એ વાત પર છે કે શું આ આક્રમક કાર્યવાહી શાંતિ વાટાઘાટો તરફ વળશે કે પછી આ બંને પાડોશી દેશો વચ્ચે મોટા પાયે યુદ્ધની શરૂઆત થશે.

(2:54 PM IST)