<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું જોખમ ટળતાં જ વૈશ્વિક વેપાર પર નવું સંકટ: યમનના હૂતી વિદ્રોહીઓએ હવે વ્યૂહાત્મક 'બાબ અલ-મંડેબ' દરિયાઈ માર્ગ બંધ કરવાની ધમકી આપી

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે હૂતી નેતા અબ્દુલ મલિક અલ-હૂતીની ચેતવણીથી ખળભળાટ: જો આ સાંકડો જળમાર્ગ બંધ થશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જવાની અને વૈશ્વિક સપ્લાય ચેઈન ઠપ્પ થવાની ભીતિ

તહેરાન:ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા રાજકીય અને સૈન્ય તણાવને કારણે વિશ્વ સ્તરે એક નવું ગંભીર આર્થિક સંકટ ઊભું થયું છે. લાંબા સમયથી ચાલી રહેલી હોર્મુઝની સ્ટ્રેટ (Strait of Hormuz) પરની અડચણો દૂર થતા જહાજોની અવરજવર સામાન્ય થઈ રહી હતી, ત્યાં જ હવે યમનના હૂતી વિદ્રોહીઓએ 'બાબ અલ-મંડેબ' નામના દરિયાઈ માર્ગને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકીના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. જો આ વ્યૂહાત્મક માર્ગ બંધ કરવામાં આવશે, તો યુરોપ અને એશિયા વચ્ચેનો દરિયાઈ વેપાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે, જેની સીધી અસર અનેક દેશોની સપ્લાય ચેઈન પર પડશે.
હૂતી નેતા અબ્દુલ મલિક અલ-હૂતીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના લડાયક દળો કોઈપણ ક્ષણે કાર્યવાહી કરવા માટે સજ્જ છે. સંરક્ષણ નિષ્ણાતો આ ધમકીને ઈરાનની તે રણનીતિના ભાગરૂપે જોઈ રહ્યા છે જેનો હેતુ પશ્ચિમી દેશોની આર્થિક કમર તોડવાનો છે. લાલ સમુદ્રને હિંદ મહાસાગર સાથે જોડતો આ ૨૯ કિલોમીટર પહોળો માર્ગ 'આંસુઓના દ્વાર' તરીકે ઓળખાય છે, કારણ કે સ્વેઝ નહેર તરફ જતા દરેક જહાજ માટે આ સાંકડા માર્ગ પરથી પસાર થવું ફરજિયાત છે.
આ દરિયાઈ માર્ગ બંધ થવાની સૌથી મોટી અસર તેલના ભાવ પર પડી શકે છે, કારણ કે અહીંથી દરરોજ વિશ્વના કુલ પુરવઠાનો ૩૦ ટકા એટલે કે અંદાજે ૮.૮ મિલિયન બેરલ કાચું તેલ પસાર થાય છે. જો આ રસ્તો રોકવામાં આવશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જવાની દહેશત છે. ઇંધણના ભાવ વધવાને કારણે માત્ર પરિવહન જ મોંઘું નહીં થાય, પરંતુ સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો તબક્કો શરૂ થવાની શક્યતા છે.
બીજી તરફ, ભારત માટે રાહતના સમાચાર એ છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિક્ષેપિત થયેલા હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી મળી છે. ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે "શિવાલિક" અને "નંદા દેવી" નામનાં બે જહાજો, જે અંદાજે ૯૨,૭૦૦ મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યા છે, તેઓ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ મુંદ્રા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે. ભારત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો ચોથો અને LPGનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ હોવાથી તહેરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે અગાઉ સપ્લાયમાં અવરોધો સર્જાયા હતા. હવે 'બાબ અલ-મંડેબ' પરની નવી ધમકી ભારત સહિતના એશિયાઈ દેશોના વેપાર માટે નવો પડકાર બની શકે છે.

(3:38 PM IST)