News of Sunday, 15th March 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્વે મમતા બેનર્જીનો મોટો માસ્ટરસ્ટ્રોક: માર્ચ ૨૦૨૬થી સરકારી કર્મચારીઓને ROPA-2009 મુજબ DAનું એરિયર્સ ચૂકવવાની જાહેરાત
ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થાય તે પહેલાં જ 'દીદી'એ સરકારી મફલીસ અને પેન્શનરો માટે તિજોરી ખોલી: પુજારીઓ અને મુઆઝિનોના માનદ વેતનમાં પણ વધારો, લાખો શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને થશે સીધો આર્થિક લાભ

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાય તે પહેલાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ભેટની જાહેરાત કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓનો અંત લાવતા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે માર્ચ ૨૦૨૬થી રાજ્યના કર્મચારીઓને ROPA-2009 (રીવિઝન ઓફ પે એન્ડ એલાઉન્સ) હેઠળ મોંઘવારી ભથ્થા (DA) ના બાકી એરિયર્સની ચુકવણી શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચની સત્તાવાર પત્રકાર પરિષદના ગણતરીના કલાકો પહેલાં જ કરવામાં આવેલી આ જાહેરાતને વિપક્ષો મમતા બેનર્જીનો ચૂંટણીલક્ષી 'ટ્રમ્પ કાર્ડ' ગણાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, 'મા-માટી-માનુષ' ની સરકાર તેના કર્મચારીઓ, પેન્શનરો અને શૈક્ષણિક સંસ્થાઓના લાખો શિક્ષકો તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફને આપેલું વચન પૂરું કરવા જઈ રહી છે. આ નિર્ણયનો લાભ માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં, પરંતુ પંચાયત, નગરપાલિકા અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓને પણ મળશે. નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓ અનુસાર, આ ચુકવણી તબક્કાવાર રીતે માર્ચ ૨૦૨૬ થી શરૂ થશે, જેનાથી આશરે ૨૦ લાખ પરિવારોને સીધો ફાયદો થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મોંઘવારી ભથ્થાનો મુદ્દો લાંબા સમયથી કોર્ટમાં હતો અને કર્મચારી સંગઠનો આ મામલે સરકાર સામે સતત આંદોલન કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં આ મામલે કડક વલણ અપનાવતા સરકારને બાકી રકમ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. હવે ચૂંટણીના પડઘમ વચ્ચે સરકારે આ રકમ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
માત્ર કર્મચારીઓ જ નહીં, પણ ધાર્મિક સમુદાયોને રીઝવવા માટે પણ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે પુજારીઓ અને મુઆઝિનોના માસિક માનદ વેતનમાં ₹૫૦૦નો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે તેમને દર મહિને ₹૨,૦૦૦નું ભથ્થું મળશે. વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીએ આ જાહેરાતને 'ચૂંટણીલક્ષી ગતકડું' ગણાવતા ટિપ્પણી કરી હતી કે સરકાર વર્ષો સુધી તિજોરી લૂંટ્યા બાદ હવે ચૂંટણીના ઠીક પહેલા કર્મચારીઓને યાદ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે ત્યારે આ આર્થિક રાહતો મતદારોને કેટલી પ્રભાવિત કરશે તે જોવું રસપ્રદ રહેશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
