News of Sunday, 15th March 2026
દાઉદ કે રહેમાન ડાકુ તો માત્ર મહોરાં છે, અસલી ખેલ તો જાપાનની 'યાકુઝા' રમે છે: ભૂલ પડે તો આંગળી નહીં, ગરદન સાફ!
વિશ્વની સૌથી શિસ્તબદ્ધ અને ક્રૂર ગેંગની અજીબોગરીબ દુનિયા: જ્યાં ગેંગસ્ટરો હત્યા કરતા નથી પણ મરવા માટે મજબૂર કરે છે અને કાળી અભેદ ઇમારતોમાં લખાય છે ગુનાખોરીના કાળા લેખાજોખા

ટોક્યો: જો તમે હજુ પણ એવું માનતા હોવ કે મુંબઈની 'ડી-ગેંગ' કે પાકિસ્તાનનો રહેમાન ડાકોઇટ અંડરવર્લ્ડના બેતાજ બાદશાહ છે, તો તમારે જાપાનની 'યાકુઝા' ગેંગ વિશે જાણવું જ જોઈએ. યાકુઝાની સરખામણીમાં ભારતીય અંડરવર્લ્ડ તો માત્ર એક ચાના કપ જેવું સામાન્ય છે. આ ગેંગ માત્ર રક્તપાત જ નથી કરતી, પણ આખું એક સમાંતર સામ્રાજ્ય ચલાવે છે, જેમાં કાયદેસરની એરલાઇન્સ કંપનીઓથી લઈને લક્ઝુરિયસ હોટેલ ચેઈન્સનો સમાવેશ થાય છે. તેમની કામ કરવાની રીત એટલી સુસંસ્કૃત અને ગુપ્ત છે કે મોટાભાગે પોલીસને કોઈ પુરાવા સુદ્ધાં મળતા નથી, કારણ કે તેઓ કોઈની હત્યા કરીને પોતાના હાથ લોહીથી ખરડવાને બદલે સામેવાળી વ્યક્તિને આત્મહત્યા કરવા માટે લાચાર કરી દે છે.
યાકુઝા ગેંગમાં શિસ્ત અને સજાના નિયમો સાંભળીને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય છે. અહીં જો ગેંગનો કોઈ સભ્ય નાની ભૂલ કરે તો તેણે પોતાની આંગળીના સાંધા પોતે જ કાપવા પડે છે, જેને 'યુબિત્સુમે' કહેવામાં આવે છે. આ રીતે કપાયેલી આંગળી એ વાતની સાબિતી છે કે તે વ્યક્તિએ ગેંગનો વિશ્વાસ તોડ્યો છે. પરંતુ જો ગુનો ગંભીર હોય અથવા સભ્ય બળવો કરે, તો સજા સીધી મોત હોય છે. નવાઈની વાત એ છે કે ગેંગ લીડર તેને મારતો નથી, પણ તેને એક તીક્ષ્ણ છરી આપે છે અને ગુનેગાર પોતે જ પોતાનું ગળું કાપીને ગેંગ પ્રત્યેની વફાદારી કે પશ્ચાતાપ સાબિત કરે છે.
આ ગેંગના હેડક્વાર્ટર પણ કોઈ હોલીવુડ ફિલ્મની કલ્પના જેવા હોય છે. યાકુઝાની ઇમારતો સંપૂર્ણપણે કાળી અને બારીઓ વગરની હોય છે, જેની ત્રણ-ચાર ફૂટ જાડી કોંક્રિટની દીવાલો મિસાઈલ હુમલાને પણ જીરવી શકે છે. દેખાવમાં આ ઇમારતનો માત્ર એક જ પ્રવેશદ્વાર દેખાય છે, પરંતુ તેની નીચે 50થી વધુ 'રેટહોલ' એટલે કે ગુપ્ત ભૂગર્ભ માર્ગો હોય છે, જેની જાણકારી માત્ર ટોચના સભ્યોને જ હોય છે. વસૂલાત કરવાની તેમની રીત પણ અનોખી છે; તેઓ ધમકી આપીને સીધા પૈસા લેવાને બદલે મેન્ટેનન્સ જેવા કોન્ટ્રાક્ટ ઊંચા ભાવે પડાવી લે છે, જેથી તેમનો કાળો કારોબાર દુનિયાની નજરમાં એક 'વ્યવસાય' બનીને રહે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
