News of Sunday, 15th March 2026
હોર્મુઝની ખાડીમાં અમેરિકાની 'એકલા હાથે' જંગ? ટ્રમ્પના આહવાન છતાં મિત્ર દેશોએ ફેરવી તોળ્યું મોઢું!
ઈરાની ખતરા સામે લાલ આંખ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વના સમુદ્રમાં એકલા પડ્યા : ચીને શાંતિના પાઠ ભણાવ્યા તો જાપાન-બ્રિટને યુદ્ધ જહાજો મોકલવા બાબતે સાધ્યું મૌન : વૈશ્વિક સત્તાકીય સમીકરણોમાં મોટો ગરમાવો

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ઈરાનના સંભવિત ખતરાને રોકવા માટે જે વૈશ્વિક મોરચો બનાવવાની આશા રાખી હતી, તેને પ્રારંભિક તબક્કે જ મોટો આંચકો લાગ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ગર્જના કરી હતી કે ઈરાનનું માથું ભમી ગયું છે અને તે ઇઝરાયેલને નષ્ટ કરવા માંગે છે, તેથી ચીન, જાપાન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોએ આ જળમાર્ગની સુરક્ષા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલવા જોઈએ. જોકે, ટ્રમ્પના આ 'ટ્રમ્પ કાર્ડ' સામે કોઈ દેશ પત્તાં ખોલવા તૈયાર નથી. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનની લશ્કરી ક્ષમતાને ૧૦૦ ટકા તોડી નાખી છે, તેમ છતાં સાથી દેશોને ડર છે કે આ સંઘર્ષમાં કૂદવાથી સ્થિતિ વધુ વણસી શકે છે.
ચીન, જે હોર્મુઝમાંથી પસાર થતા ઉર્જા પુરવઠા પર નિર્ભર છે, તેણે અમેરિકાની વિનંતીને સ્પષ્ટ પ્રતિસાદ આપવાને બદલે રાજદ્વારી ભાષાનો ઉપયોગ કર્યો છે. ચીની દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર 'રચનાત્મક ભૂમિકા' ભજવવામાં અને વાતચીત દ્વારા તણાવ ઘટાડવામાં માને છે, લશ્કરી જમાવટમાં નહીં. બીજી તરફ, અમેરિકાના પરમ મિત્ર ગણાતા જાપાને પણ કાયદાકીય ગૂંચવણો અને વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિનું બહાનું ધરીને પોતાના યુદ્ધ જહાજો મોકલવાનો નિર્ણય "અત્યંત મુશ્કેલ" ગણાવ્યો છે. બ્રિટને પણ હજુ સુધી કોઈ નક્કર ખાતરી આપી નથી, જે દર્શાવે છે કે ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' અભિગમ સામે હવે સાથી દેશો પણ પોતાની સુરક્ષા અને હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છે.
હોર્મુઝની ખાડી વૈશ્વિક વેપાર અને તેલના પુરવઠા માટે કરોડરજ્જુ સમાન છે. ટ્રમ્પનું માનવું છે કે જો આ જળમાર્ગ સુરક્ષિત નહીં રહે તો વિશ્વના અર્થતંત્રમાં ભૂકંપ આવશે, પરંતુ સાથી દેશોની નૌકાદળની ગેરહાજરી અમેરિકા માટે નબળી કડી સાબિત થઈ શકે છે. ટ્રમ્પે ભલે દાવો કર્યો હોય કે ઈરાનની યોજનાઓ હવે ઈતિહાસ બની ગઈ છે, પરંતુ ઈરાન દ્વારા ડ્રોન કે દરિયાઈ સુરંગો છોડવાનો ભય હજુ પણ જહાજો પર તોળાઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પ કોઈ મજબૂત આર્થિક દબાણ લાવશે કે પછી અમેરિકાએ એકલા હાથે જ આ સમુદ્રી જંગ લડવો પડશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
