<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે. જે. પટેલનો ઐતિહાસિક વિજય: રેકોર્ડબ્રેક મતોથી પ્રથમ પસંદગીનો મહત્વનો ક્વોટા પાર કર્યો

આ જીત એ મારા ૨૫ વર્ષના નિરંતર સેવાકાર્ય પર વકીલ આલમે મૂકેલો વિશ્વાસ છે અને આગામી સમયમાં પણ વકીલોના કલ્યાણ અને તેમની ગરિમા જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ રહીશ: જે જે પટેલ

રાજકોટ/અમદાવાદ: વર્ષ ૧૯૬૧ પછીના ઇતિહાસમાં સૌથી વધુ ૧૯૨૯થી વધુ પ્રથમ પસંદગીના મતો મેળવીને શ્રી જે. જે. પટેલે અજેય લીડ પ્રાપ્ત કરી છે. બુદ્ધિજીવી વકીલ આલમમાં નેતા બનવું કઠિન માનવામાં આવે છે, છતાં પોતાના ૨૫ વર્ષના મજબૂત નેતૃત્વ અને સાલસ સ્વભાવથી તેમણે સમગ્ર ગુજરાતના વકીલોનો અતૂટ વિશ્વાસ જીત્યો છે. આ ભવ્ય વિજય બદલ તેમણે વકીલ મિત્રોનો આભાર માનીને ચોવીસ કલાક સેવામાં કાર્યરત રહેવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર રાજ્યના વકીલ આલમમાં જેમના નામનો ભારે દબદબો છે તેવા લોકપ્રિય અને પીઢ ધારાશાસ્ત્રી શ્રી જે. જે. પટેલે ભવ્ય વિજય મેળવીને નવો ઇતિહાસ અંકિત કર્યો છે.

 

*ઐતિહાસિક જીત અને રેકોર્ડબ્રેક મતો:*

 

ગુજરાત રાજ્યના વકીલોની માતૃસંસ્થા સમાન બાર કાઉન્સિલની આ ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલે પ્રથમ પસંદગીના મતોનો ક્વોટા અત્યંત પ્રભાવશાળી રીતે પાર કર્યો છે. બાર કાઉન્સિલની ચૂંટણીઓના વર્ષ ૧૯૬૧ પછીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો (ક્વોટા) એટલે કે ૧૯૨૯થી વધુ પ્રથમ પસંદગીના મતો મેળવીને તેમણે અજેય લીડ પ્રાપ્ત કરી છે. આ ઐતિહાસિક આંકડો વકીલ બિરાદરોમાં તેમની વ્યાપક લોકપ્રિયતા અને સ્વીકૃતિનો જીવંત પુરાવો આપે છે.

 

*૨૫ વર્ષની અવિરત સેવા અને મજબૂત નેતૃત્વ:*

 

શ્રી જે. જે. પટેલ છેલ્લા ૨૫ વર્ષથી બાર કાઉન્સિલમાં વકીલોના વિવિધ પ્રશ્નો અને હિતો માટે સતત કાર્યરત છે. કાયદાકીય ક્ષેત્રમાં એવું સામાન્ય રીતે માનવામાં આવે છે કે બુદ્ધિજીવી વર્ગ એવા 'વકીલોના મત મેળવવા અને તેમના નેતા બનવું' એ લોઢાના ચણા ચાવવા સમાન અત્યંત કઠિન કાર્ય છે. પરંતુ શ્રી પટેલે પોતાના મજબૂત નેતૃત્વ, સાલસ સ્વભાવ અને કાર્યદક્ષતા થકી સમગ્ર ગુજરાતના વકીલોનો અતૂટ વિશ્વાસ સંપાદન કર્યો છે.

 

*વકીલ આલમમાં હર્ષની લાગણી:*

 

આવા ઐતિહાસિક પરિણામ બાદ સમગ્ર રાજ્યના વકીલોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રબુદ્ધ મતદારોએ જે રીતે જે. જે. પટેલના નેતૃત્વ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, તે સાબિત કરે છે કે વકીલોના હિત માટે સતત લડનારા અને ચોવીસ કલાક તેમની સેવામાં ઉપલબ્ધ રહેતા નેતાની જીત હંમેશા નિશ્ચિત હોય છે.

 

આ ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ શ્રી જે. જે. પટેલે સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ જીત એ મારા ૨૫ વર્ષના નિરંતર સેવાકાર્ય પર વકીલ આલમે મૂકેલો વિશ્વાસ છે અને હું આગામી સમયમાં પણ વકીલોના કલ્યાણ અને તેમની ગરિમા જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ રહીશ." *

 

 

(7:26 PM IST)