ન્યાયતંત્ર અને સત્તા વચ્ચેનો જંગ: કોણ છે જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા? જેના પર કેજરીવાલે વ્યક્ત કર્યો અવિશ્વાસ!
દિલ્હી એક્સાઈઝ કેસમાં નવો વળાંક: જસ્ટિસ શર્માની બેન્ચ સામે AAP નેતાઓએ નોંધાવ્યો વિરોધ : મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી (દારૂ કૌભાંડ) કેસમાં હવે કાયદાકીય લડાઈ ન્યાયાધીશોની નિષ્પક્ષતા સુધી પહોંચી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માની બેન્ચ સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે 9 માર્ચના રોજ જસ્ટિસ શર્માએ CBIની અરજી પર સુનાવણી કરતા કેજરીવાલ સહિત 22 આરોપીઓને નોટિસ ફટકારી અને નીચલી અદાલતના રાહત આપતા આદેશ પર સ્ટે મૂકી દીધો. AAP નેતાઓનો આક્ષેપ છે કે આ બેન્ચ હેઠળ તેમને "નિષ્પક્ષ ન્યાય" મળવાની આશા નથી, જેને પગલે હવે આ કેસને અન્ય બેન્ચમાં ટ્રાન્સફર કરવાની માંગ ઉઠી છે.
જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા માત્ર એક ન્યાયાધીશ નથી, પરંતુ કાયદાકીય જગતનું એક અત્યંત પ્રભાવશાળી અને વિદ્વાન વ્યક્તિત્વ છે. દિલ્હી યુનિવર્સિટીની દૌલત રામ કોલેજથી શરૂ થયેલી તેમની સફર પીએચડી (PhD) સુધી પહોંચી છે. માત્ર 24 વર્ષની નાની ઉંમરે મેજિસ્ટ્રેટ બનીને તેમણે પોતાની કાબેલિયત સાબિત કરી હતી અને 35 વર્ષની ઉંમરે સેશન્સ જજ પદ સુધી પહોંચ્યા હતા. તેમની કારકિર્દીમાં તેમણે સ્પેશિયલ CBI જજ, ફેમિલી કોર્ટ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની અદાલતમાં મહત્વની સેવાઓ આપી છે. માર્ચ 2022 માં દિલ્હી હાઈકોર્ટના કાયમી જજ તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે કાર્યરત હતા.
એક તરફ કેજરીવાલે જસ્ટિસ શર્માની બેન્ચ પર શંકા વ્યક્ત કરી છે, તો બીજી તરફ મનીષ સિસોદિયાએ સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સિસોદિયાએ હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને પડકાર્યા છે, જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટી હવે કાયદાકીય મોરચે કોઈ પણ જોખમ લેવા માંગતી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું આરોપીઓની માંગ મુજબ કેસની બેન્ચ બદલવામાં આવશે? જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માના કડક વલણને કારણે AAP નેતાઓની ચિંતા વધી છે, જ્યારે કાયદાના નિષ્ણાતો માને છે કે ન્યાયાધીશની પૃષ્ઠભૂમિ અને તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ અત્યંત પારદર્શક રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
