News of Monday, 16th March 2026
અમેરિકામાં 'H-1B' વિવાદ ગરમાયો: લૌરા લૂમરના કટાક્ષ સામે ભારતીય સંસ્થાની જડબાતોડ પ્રતિક્રિયા, કુશળ કામદારોનો પક્ષ લીધો
ભારતીય પ્રતિભા બલિનો બકરો નથી: IAAC એ સ્પષ્ટ કર્યું કે ભારતીયો અમેરિકાની જરૂરિયાત છે, કોઈની નોકરી છીનવનારા નહીં

વોશિંગ્ટન, તા.૧૬: અમેરિકામાં વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીયો માટેના સૌથી લોકપ્રિય H-1B વિઝા ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢ્યા છે. તાજેતરમાં કટ્ટરપંથી અમેરિકન પત્રકાર લૌરા લૂમર દ્વારા ભારતીય કામદારો વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મોટો હોબાળો મચ્યો છે. આ હુમલા સામે ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલ (IAAC) મેદાને આવી છે અને ભારતીય કામદારોનો મજબૂત બચાવ કર્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા લૌરા લૂમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઝેર ઓકતા જણાવ્યું હતું કે, H-1B વિઝાના માધ્યમથી આવતા "સસ્તા ભારતીય મજૂરો" અમેરિકનોને બેરોજગાર બનાવી રહ્યા છે. લૂમરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયા દ્વારા ભારતીયોનું પણ શોષણ થઈ રહ્યું છે અને તેઓ એક રીતે ગુલામ બની રહ્યા છે. તેમની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
IAAC નો વળતો પ્રહાર
લૂમરના આ પ્રહારો સામે IAAC એ કડક શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું કે, કુશળ ઇમિગ્રન્ટ્સને રાજકીય લાભ ખાતર 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યા છે. સંસ્થાએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકામાં કોઈની નોકરી છીનવવા માટે નથી જતા, પરંતુ ત્યાંની ટેકનિકલ ક્ષમતા અને અછતને પૂરી કરવા માટે જાય છે.
અમેરિકન અર્થતંત્રમાં ફાળો
IAAC એ સ્પષ્ટ કર્યું કે ભારતીય આઈટી નિષ્ણાતો અને એન્જિનિયરો અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવે છે. લૂમર જેવી વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવતી નકારાત્મકતા તથ્યહીન છે. સંસ્થાના મતે, આ પ્રકારના નિવેદનો માત્ર તિરસ્કાર ફેલાવે છે અને હજારો મહેનતુ પરિવારોની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
