<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ઓસ્કારના રેડ કાર્પેટ પર ભારતીય ફેશનનો જાદુ: નેટફ્લિક્સ ક્વીન બેલા બજારિયાએ મનીષ મલ્હોત્રાની સાડી પહેરી હોલીવુડને ઘેલું લગાડ્યું

98મા એકેડેમી એવોર્ડ્સમાં 'દેશી ટચ': કાળી સાડી અને ગોલ્ડન એમ્બ્રોઈડરીમાં સજ્જ બેલા બજારિયાએ વિશ્વભરના ફેશન નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું

લોસ એન્જલસ, તા.૧૬: દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ગણાતા 'ઓસ્કાર' (Academy Awards) ના રેડ કાર્પેટ પર જ્યારે ગ્લેમર અને સ્ટાઇલનો સંગમ થયો, ત્યારે ભારતીય સંસ્કૃતિની ઝલક સૌથી વધુ આકર્ષક રહી હતી. નેટફ્લિક્સના ચીફ કન્ટેન્ટ ઓફિસર (CCO) બેલા બજારિયા એ 98મા વાર્ષિક એકેડેમી એવોર્ડ્સમાં જાણીતા ભારતીય ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ની કલાત્મક સાડી પહેરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં બેલાનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શાહી લુક અને ભારતીય કારીગરી
બેલા બજારિયાએ આ ખાસ રાત્રિ માટે કાળા રંગની સાડી પસંદ કરી હતી, જેના પર સોનાના તારથી અત્યંત બારીક ફ્લોરલ ભરતકામ કરવામાં આવ્યું હતું. સ્લીવલેસ બ્લાઉઝ અને ન્યૂનતમ છતાં પ્રભાવશાળી ગોલ્ડ જ્વેલરી સાથે તેમનો દેખાવ એકદમ 'રોયલ' લાગતો હતો. તેમના મેકઅપ આર્ટિસ્ટ ક્રિસ્ટીન બર્નાર્ડે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કરતાની સાથે જ લોકોએ ભારતીય વસ્ત્રોના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
નેટફ્લિક્સનો ઐતિહાસિક વિજય
ફેશન સિવાય બેલા બજારિયા માટે આ વર્ષનો ઓસ્કાર વ્યવસાયિક રીતે પણ ઐતિહાસિક રહ્યો છે. નેટફ્લિક્સે આ વર્ષે કુલ 7 એકેડેમી એવોર્ડ્સ જીતીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 'KPop ડેમન હન્ટર્સ' જેવી ફિલ્મોએ એનિમેશન અને મ્યુઝિક કેટેગરીમાં ધૂમ મચાવી છે. બેલાના નેતૃત્વમાં નેટફ્લિક્સે 2021નો પોતાનો જ રેકોર્ડ તોડીને હોલીવુડમાં વર્ચસ્વ સાબિત કર્યું છે.
સંઘર્ષથી સફળતા સુધીની સફર
લંડનમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા બેલા બજારિયાની કારકિર્દી કોઈ ફિલ્મની પટકથા જેવી જ પ્રેરણાદાયક છે. 1996માં પત્ર-લેખન ઝુંબેશ દ્વારા સામાન્ય સહાયક તરીકે CBS માં જોડાયેલા બેલા આજે દુનિયાના સૌથી મોટા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ હોલીવુડમાં કોઈ મોટા સ્ટુડિયોનું સંચાલન કરનાર પ્રથમ અશ્વેત (Women of Color) મહિલા પણ બન્યા હતા.

(4:35 PM IST)