News of Monday, 16th March 2026
બારડોલીના માણેકપુર પાસે સુરત ગ્રામ્ય એલસીબીનો સપાટો: ૧.૩૮ કરોડના મુદ્દામાલ અને વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર ડુંગરારામ મેઘવાલની ધરપકડ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાથી પીઆઈ આર.બી. ભટોળની ટીમે ૧ કરોડથી વધુની કિંમતની ૭૯૮૦ બાટલીઓ ઝડપી; રાજસ્થાનના હરલાલરામ જાટને વોન્ટેડ જાહેર કરાયો

બારડોલી:સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા બારડોલી તાલુકાના માણેકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપરથી વિદેશી દારૂના માતબર જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની સતર્કતાને કારણે કન્ટેનરમાં છુપાવીને લઈ જવામાં આવતો ૧.૩૮ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની રાહબરી હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓ ડામવા સખત સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળની ટીમે અલગ-અલગ ટુકડીઓ બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના કન્ટેનર ટેલર નંબર RJ-52-GA-1021 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને નવસારી તરફ પસાર થવાનો છે. બાતમીના આધારે માણેકપુર ગામની સીમમાં હાઈવે પર નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી હતી.
કન્ટેનરમાંથી મળ્યો દારૂનો જથ્થો
શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની કુલ ૭૯૮૦ બાટલીઓ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કુલ કિંમત ૧,૦૩,૭૪,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક ડુંગરારામ રાવતારામ મેઘવાલ (ઉંમર ૩૫, રહે. ગંગુપુરાગામ, બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના હરલાલરામ જાટ નામના બુટલેગરે ભરી આપ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
પોલીસે આ ઓપરેશનમાં કુલ ૧,૩૮,૯૯,૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:
* વિદેશી દારૂની ૭૯૮૦ બાટલીઓ (કિંમત રૂ. ૧,૦૩,૭૪,૦૦૦/-)
* ટાટા કંપનીનું કન્ટેનર ટેલર (કિંમત રૂ. ૩૫,૦૦,૦૦૦/-)
* ૫ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૧,૦૦૦/-)
* રોકડા ૪,૧૨૦ રૂપિયા અને અન્ય અંગ ઝડતીના દસ્તાવેજો.
આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ સાથે હેડ કોન્સ્ટેબલ અજિતભાઈ, મુકેશભાઈ, વિક્રમભાઈ, રામદાસભાઈ તથા કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમિતભાઈ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
