હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અદાણી ગ્રુપ પરના અહેવાલ મુદ્દે પત્રકાર રવિ નાયરને સુપ્રીમ કોર્ટનો ઝટકો: સમન્સ સામેની અરજી પર સુનાવણીનો ઇનકાર, ગુજરાત હાઈકોર્ટ જવાની આપી સલાહ
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફટકાર્યું છે સમન્સ: પત્રકારે ધરપકડનો ડર વ્યક્ત કર્યો, સુપ્રીમે કહ્યું - "રાહત માટે યોગ્ય ફોરમનો સંપર્ક કરો"

નવી દિલ્હી : દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપ અને પત્રકાર રવિ નાયર વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં આજે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. પત્રકાર રવિ નાયરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને મોકલવામાં આવેલા સમન્સને રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, પરંતુ ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે તેમને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો છે.
શું હતો વિવાદિત અહેવાલ?
આ સમગ્ર વિવાદ 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં પ્રકાશિત થયેલા એક લેખથી શરૂ થયો હતો. આ લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે આંતરિક દસ્તાવેજો મુજબ ભારતીય અધિકારીઓએ અદાણી ગ્રુપને મદદ કરવા માટે LIC (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) પાસેથી આશરે $૩.૯ બિલિયન (અંદાજે ૩૨,૦૦૦ કરોડ રૂપિયા) ના રોકાણની દરખાસ્ત તૈયાર કરી હતી. આ લેખ એવા સમયે આવ્યો હતો જ્યારે અદાણી ગ્રુપ પર હિન્ડેનબર્ગ રિસર્ચ અને અમેરિકી સત્તાવાળાઓ દ્વારા નાણાકીય ગેરરીતિઓના આરોપો લાગેલા હતા.
કોર્ટમાં પત્રકારની દલીલ
પત્રકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે દલીલ કરી હતી કે રવિ નાયરને માત્ર રિપોર્ટિંગ કરવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, "એક જ કોર્પોરેટ ગ્રુપ દ્વારા વારંવાર ફરિયાદો દાખલ કરીને પત્રકારનું વાણી સ્વાતંત્ર્ય છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે." વકીલે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે જો રવિ નાયર ગુજરાત જશે તો પોલીસ તેમની ધરપકડ કરી શકે છે, તેથી તેમને રક્ષણ આપવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે આ તબક્કે કોઈ પણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
અગાઉના કેસમાં થઈ છે સજા
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતની એક અદાલતે અદાણી ગ્રુપ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના એક અલગ કેસમાં રવિ નાયરને દોષિત ઠેરવ્યા છે. તે કેસમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે પત્રકાર દ્વારા કરવામાં આવેલી ટ્વીટ્સ અને લેખો પાયાવિહોણા હતા અને તેનાથી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. તે મામલામાં તેમને એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. હવે આ નવા સમન્સ મામલે પત્રકારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
