હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો 'ડીપફેક' વિરુદ્ધ જંગ: બોમ્બે હાઈકોર્ટે વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરવા આપ્યો ઐતિહાસિક આદેશ, અશ્લીલ AI સામગ્રી હટાવવા ફરમાન
૨૮ સંસ્થાઓ અને AI સાઇટ્સ પર કોર્ટની લાલ આંખ: ગૌરવ સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન સહન નહીં કરાય, અભિનેત્રીની છબી ખરડતા URL દૂર કરવા મધ્યસ્થીઓને ૮ દિવસની મહેતલ

મુંબઈ : બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા બચાવવા માટે કાયદાકીય લડાઈમાં મોટી જીત મેળવી છે. બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને AI સામગ્રી બનાવતી સાઇટ્સને આદેશ આપ્યો છે કે તેઓ અભિનેત્રીના વ્યક્તિત્વ અધિકારો (Personality Rights) નું ઉલ્લંઘન કરતી ડીપફેક્સ, ફોટા અને અન્ય વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરે.
ડીપફેક અને અશ્લીલ સામગ્રી પર ચિંતા
જસ્ટિસ શર્મિલા દેશમુખે આ કેસની સુનાવણી દરમિયાન અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે નોંધ્યું કે કેટલીક વેબસાઇટ્સ શિલ્પા શેટ્ટીની સંમતિ વિના તેમના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને 'ડીપફેક' અને અશ્લીલ (Pornographic) સામગ્રી બનાવી રહી છે. કોર્ટે તેને કેસનું "સૌથી વધુ ચિંતાજનક" પાસું ગણાવતા કહ્યું કે, આવી સામગ્રી કોઈ પણ વ્યક્તિની છબી ખરાબ કરે છે અને બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલા 'ગોપનીયતા અને ગૌરવ સાથે જીવવાના અધિકાર'નું સીધું ઉલ્લંઘન છે.
વ્યાપારી શોષણ પર પ્રતિબંધ
અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ લોકપ્રિય વ્યક્તિના નામ, ફોટો કે વ્યક્તિત્વના ગુણોનો ઉપયોગ તેની મંજૂરી વગર વ્યાપારી લાભ માટે કરી શકાય નહીં. ઘણી ઈ-કોમર્સ કંપનીઓ પોતાના માલસામાનના વેચાણ માટે શિલ્પા શેટ્ટીના ફોટાનો અનધિકૃત ઉપયોગ કરી રહી હતી, જેથી ગ્રાહકોને એવું લાગે કે અભિનેત્રી તે બ્રાન્ડ સાથે જોડાયેલી છે. કોર્ટે આવી આશરે ૨૮ સંસ્થાઓને શેટ્ટીના વ્યક્તિત્વના ગુણોનું શોષણ કરતા અટકાવ્યા છે.
સોશિયલ મીડિયા અને AI પ્લેટફોર્મ્સને આદેશ
હાઈકોર્ટે ગૂગલ, ફ્લિપકાર્ટ અને અન્ય મધ્યસ્થી પ્લેટફોર્મ્સને નિર્દેશ આપ્યો છે કે અભિનેત્રી દ્વારા ઓળખવામાં આવેલા વાંધાજનક URL ને નોટિસ મળ્યાના ૮ દિવસની અંદર હટાવી દેવામાં આવે. આ કેસમાં ટેકનોલોજીના દુરુપયોગ સામે કાયદાનું રક્ષણ મેળવવું એ સેલિબ્રિટીઝ માટે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. શિલ્પા શેટ્ટી તરફથી વકીલ સના રઈસ ખાને દલીલો રજૂ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
