<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ઈરાનનું 'સેજિલ' મિસાઈલથી વિનાશક આક્રમણ: યુએસ-ઈઝરાયલ સામેના યુદ્ધમાં પહેલીવાર સૌથી ખતરનાક હથિયાર મેદાને, મિનિટોમાં તબાહી મચાવવાની ક્ષમતા

યુદ્ધના ૧૭મા દિવસે ઈરાને અદ્યતન બેલિસ્ટિક મિસાઈલ ટેકનોલોજીનું કર્યું પ્રદર્શન: ૨,૦૦૦ કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ ઈઝરાયલના ખૂણેખૂણાને વીંધવા સક્ષમ

 તેહરાન : મધ્ય પૂર્વમાં ચાલી રહેલું મહાયુદ્ધ હવે અત્યંત ભયાનક તબક્કામાં પ્રવેશી ગયું છે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈરાને રવિવારે પહેલીવાર પોતાના ભાથાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર એટલે કે 'સેજિલ' (Sejjil) બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. અમેરિકા અને ઈઝરાયલના સતત હુમલાઓનો જવાબ આપવા માટે ઈરાને આ અતિ-ભારે મિસાઈલનો ઉપયોગ કરીને વિશ્વને પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે. આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ ઈરાન વધુ આક્રમક બન્યું છે.
શા માટે 'સેજિલ' મિસાઈલ છે આટલી ઘાતક? જાણો ૫ મુખ્ય કારણો:
૧. ઝડપી પ્રહાર ક્ષમતા: સેજિલ-૨ મિસાઈલ સોલિડ પ્રોપેલન્ટ (ઘન બળતણ) ટેકનોલોજી પર આધારિત છે. જૂની પ્રવાહી બળતણવાળી મિસાઈલોની સરખામણીએ તેને ગણતરીની મિનિટોમાં લોન્ચ કરવા માટે તૈયાર કરી શકાય છે, જે દુશ્મનને સંભળવાનો સમય પણ આપતી નથી.
૨. વિશાળ રેન્જ અને પેલોડ: આ બે-તબક્કાની મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ ૨,૦૦૦ કિમી દૂર બેઠેલા દુશ્મનને પણ નિશાન બનાવી શકે છે. તે પોતાની સાથે અંદાજે ૭૦૦ કિલો વિસ્ફોટકો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
૩. કદ અને વજન: આશરે ૧૮ મીટર લાંબી અને ૨૩,૬૦૦ કિલો વજન ધરાવતી આ મિસાઈલ હવામાં અજેય માનવામાં આવે છે. તેની નેવિગેશન સિસ્ટમ અત્યંત સચોટ છે, જે ૨૦૦૯ના પરીક્ષણો બાદ વધુ આધુનિક બનાવવામાં આવી છે.
૪. અદ્યતન ટેકનોલોજી: સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS) ના મતે, સેજિલ-૨માં વપરાયેલું ગાઈડન્સ સોફ્ટવેર તેને ઈરાનની જૂની શાહાબ શ્રેણીની મિસાઈલો કરતા અનેકગણી વધુ ચોકસાઈ આપે છે.
૫. યુદ્ધમાં મોટું પરિવર્તન: ૨૦૦૮માં તેના પ્રથમ પરીક્ષણ બાદથી અત્યાર સુધીના અનેક ટ્રાયલ્સમાં આ મિસાઈલે હિંદ મહાસાગર સુધીની રેન્જ સફળતાપૂર્વક કાપી છે, જે સાબિત કરે છે કે તે ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો માટે સીધો ખતરો છે.
૨,૦૦૦થી વધુના મોત અને વૈશ્વિક અસરો
ઈરાન યુદ્ધ હવે તેના ૧૭મા દિવસમાં છે અને અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના ટેન્કરો અટકી પડતા વિશ્વભરમાં ઉર્જા સંકટ ઊભું થયંમ છે. એક તરફ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂના મોતના અહેવાલો પાયાવિહોણા સાબિત થયા છે, તો બીજી તરફ ઈરાની મિસાઈલ હુમલાઓએ તેલ અને ગેસના બજારોમાં હાહાકાર મચાવી દીધો છે. ઘણા દેશો હવે બળતણના વૈકલ્પિક રસ્તાઓ શોધવા માટે મજબૂર બન્યા છે.

(10:16 PM IST)