<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રશિયન તેલ હવે ભારત માટે 'મોંઘો સોદો': યુક્રેન યુદ્ધ પછી પ્રથમ વખત ભાવ 99 ડોલરને પાર : પુતિનની તિજોરી છલકાઈ

સસ્તું તેલ વેચવાનું રશિયાનું વલણ બદલાયું: અમેરિકી મુક્તિ અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ઉરલ ક્રૂડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા : ડિસ્કાઉન્ટ ઘટતા ભારતીય રિફાઇનરીઓના નફા પર બ્રેક અને રશિયાના બજેટ લક્ષ્યાંક કરતા કિંમતો ઘણી ઊંચી

નવી દિલ્હી :ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયાએ ભારતને સસ્તા દરે તેલ આપીને આશ્ચર્યચકિત કર્યું હતું, પરંતુ હવે સ્થિતિ પલટાઈ ગઈ છે. રશિયાનું મુખ્ય ઉરલ ક્રૂડ તેલ હવે ભારત માટે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયું છે. આર્ગસ મીડિયાના ડેટા મુજબ, શુક્રવારે ભારતીય બંદરો પર રશિયન તેલની કિંમત પ્રતિ બેરલ 98.93 ડોલર નોંધાઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ વધારો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી વિશેષ મુક્તિ પછી જોવા મળ્યો છે. અગાઉ મળતું મોટું ડિસ્કાઉન્ટ હવે ઘટીને માત્ર $4.80 થઈ ગયું છે, જેનો અર્થ છે કે ભારતીય રિફાઇનરીઓને હવે રશિયન તેલ ખરીદવામાં પહેલા જેવો આર્થિક ફાયદો રહ્યો નથી.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે આ સમયગાળો 'લોટરી' સમાન સાબિત થઈ રહ્યો છે. રશિયાએ તેના વાર્ષિક બજેટમાં તેલના ભાવ સરેરાશ $59 પ્રતિ બેરલ રહેવાનો અંદાજ મૂક્યો હતો, જેની સામે હાલના ભાવ $99ની નજીક છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં તેલના સપ્લાય પર અસર પડી છે, જેનો સીધો લાભ રશિયા ઉઠાવી રહ્યું છે. જોકે, પુતિને પોતે જ ચેતવણી આપી છે કે આ ઊંચા ભાવ 'કામચલાઉ' હોઈ શકે છે, તેથી રશિયન કંપનીઓએ ભવિષ્યની તૈયારી અત્યારથી જ કરી લેવી જોઈએ. તેલના આ વધતા ભાવોએ રશિયાના અર્થતંત્રને યુદ્ધના ખર્ચ સામે મોટું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

ભારત માટે આ પરિસ્થિતિ પડકારજનક છે કારણ કે ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ જેવી કંપનીઓએ હાલમાં જ દરિયામાં પડેલા અંદાજે ૩૦ મિલિયન બેરલ રશિયન તેલની ખરીદી કરી છે. અમેરિકાએ તેલના ભાવ પરનું દબાણ ઘટાડવા માટે ભારતને રશિયન તેલ ખરીદવાની ૩૦ દિવસની છૂટ આપી છે, પરંતુ તે સસ્તું નથી મળી રહ્યું. જો આ જ રીતે રશિયન તેલના ભાવ વધતા રહેશે અને ડિસ્કાઉન્ટ ઘટતું જશે, તો આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેનું દબાણ જોવા મળી શકે છે. હાલમાં તો રશિયા ભારતને તેલ વેચીને અબજો ડોલરની કમાણી કરી રહ્યું છે, જે પુતિનના મિશન માટે ઈંધણનું કામ કરી રહ્યું છે.

(10:22 PM IST)